યોગેશ કાનાબાર રાજુલા

રાજુલામાં તહેવારોને લઈ તંત્ર એક્શનમાં: ફરસાણના વેપારીઓ સાથે ડેપ્યુટી કલેક્ટરની બેઠક યોજાઈ

દશેરા અને દિવાળીના તહેવારોમાં યોગ્ય ભાવ, તાજું ફરસાણ અને ગ્રાહકોની સુવિધા જાળવવા વેપારીઓને અપાઈ સૂચનાઓ
રાજુલા: આગામી દિવસોમાં દશેરા અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે તહેવારો દરમિયાન નાગરિકોને ગુણવત્તાયુક્ત ફરસાણ યોગ્ય ભાવે મળી રહે અને ગ્રાહકોને કોઈ અગવડતા ન પડે તે હેતુથી રાજુલાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા આજરોજ ફરસાણના વેપારીઓની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠકમાં રાજુલા શહેરના ફરસાણના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં વેપારીઓને તહેવારો દરમિયાન વેપાર-ધંધો વ્યવસ્થિત રીતે ચલાવવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન વેપારીઓને ફરસાણના મનસ્વી કે વધુ ભાવ ન લેવા, ગ્રાહકોને તાજું અને ગુણવત્તાયુક્ત ફરસાણ વેચવા તેમજ ગ્રાહકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, શહેરમાં વેપાર દરમિયાન જાહેર માર્ગો પર અવરજવરમાં અડચણ ન સર્જાય અને નાગરિકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે રીતે વેપાર કરવા પણ વેપારીઓને સૂચના આપવામાં આવી હતી.
દશેરા અને દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોના હિતનું રક્ષણ થાય, ગ્રાહકોને યોગ્ય ભાવે સારી ગુણવત્તાની વસ્તુઓ મળી રહે અને શહેરમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા વેપારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.









