તારીખ ૧૬/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર-ખરસાલિયા ચોકડી પાસે હાઇવે રોડ પર ગઈકાલે સાંજે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી એક વૃદ્ધને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
ફરિયાદી જશવંતકુમાર મણીલાલ વણકર (ઉ.વ. 30, રહે. ખરસાલિયા, તા. કાલોલ) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. 14/10/2026 ના રોજ સાંજે સાડા છ વાગ્યાના સુમારે તેમના કાકા રતીલાલ નારણભાઈ વણકર વેજલપુર ખરસાલિયા ચોકડી પાસે હાઇવે રોડ ક્રોસ કરી રહ્યા હતા.તે દરમિયાન નાની ખરસાલિયા ગામ તરફથી આવતી ફોર વ્હીલ ગાડી નં. GJ-17-AH-0115 ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારી અચાનક કાલોલ હાઇવે તરફ વાળી દેતા રતીલાલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા રતીલાલ રોડ પર પટકાયા હતા અને તેમને બંને પગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.અકસ્માત સર્જી કાર ચાલક ગાડી લઈને નાસી ગયો હતો. ઘટનાની જાણ ગામના શાંતીલાલ ઉદેસિંહ સોલંકી એ ફરિયાદીને ફોન પર કરી હતી. શાંતીલાલે જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્તને ગોધરા સરકારી દવાખાને સારવાર માટે મોકલ્યા હતા.ફરિયાદી તે સમયે હાલોલ GIDC માં નોકરી પર હતા, જાણ થતા તેઓ સીધા ગોધરા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ મામલે ફરિયાદી જશવંતકુમારે ફોર વ્હીલર ના અજાણ્યા ચાલક વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં બેદરકારીથી વાહન ચલાવવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.











