સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૦૪ શ્રમિક અન્નપૂર્ણ યોજનાના કેન્દ્રોનો પ્રારંભ

જામનગર
(નયના દવે દ્વારા)
રાજ્યસભાના સાંસદ શ્રી જીતેન્દ્રભાઈ કણઝારિયાએ જામખંભાળિયા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો
રાજ્ય સરકાર તેમજ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સહયોગથી બાંધકામ શ્રમિકોને માત્ર રૂપિયા ૫ (પાંચ)ના ટોકનથી પૌષ્ટિક ભોજન થશે ઉપલબ્ધ
રાજ્ય સરકાર અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સહયોગથી શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં નવા ૧૦૧ ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં લોહાણા મહાજન વાડી પાસે રાજ્યસભા સાંસદ શ્રી જીતેન્દ્રભાઈ કણઝારિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી જીતેન્દ્રભાઈ કણઝારિયા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં છેવાડાના માનવી સુધી કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ લાભ પહોંચી રહ્યો છે. ખાસ કરીને પોતાના પરિશ્રમથી વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપનાર બાંધકામ ક્ષેત્રના શ્રમિકોની ચિંતા સરકાર કરી છે. જેના ઉપલક્ષમાં રાજ્ય સરકાર અને બાંધકામ શ્રમિક બોર્ડના સહયોગથી બાંધકામ શ્રમિકો માટે માત્ર રૂ. પાંચ ટોકન ભાવથી પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. જેના પરિણામે હવે બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકોને ભોજનની ચિંતા નહીં રહે અને વિકસિત ભારતના નિર્માણમાં વધુ યોગદાન આપી શકશે તેમ જણાવ્યું હતું. તેમજ મહત્તમ શ્રમિકો આ યોજના લાભ મેળવે તેવો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી જીતેન્દ્રભાઈ કણઝારિયા સહિતના મહાનુભાવોના હસ્તે શ્રમિકોને પોષણયુક્ત ભોજનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ભોજનમાં શ્રમિકોને રોટલી, શાક, ભાત, અથાણું, કઠોળ, મરચા અને ગોળનો સમાવેશ થાય છે તેમજ અઠવાડિયામાં એક વાર સુખડી જેવું મિષ્ટાન પણ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જૂન-૨૦૧૭થી શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત અગાઉ રાજ્યના ૨૦ જિલ્લાઓમાં કુલ ૨૯૩ કડિયાનાકા પર ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં હતાં. હવે તેમાં વધારો કરીને રાજ્યના ૨૮ જિલ્લાઓમાં નવાં ૧૦૧ ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે.
જે અન્વયે આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૦૪ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જામખંભાળિયા ખાતે લોહાણા મહાજન વાડી, બેઠક રોડ, કલ્યાણપુર તાલુકાના રાવલ ખાતે હનુમાન ધાર પાસે, ભાણવડ તાલુકામાં અરમાન હાર્ડવેર વેરાડ નાકા પાસે તેમજ રણજીતપરા હાઈસ્કૂલ ચોક ખાતે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
આ તકે નગરપાલિકા પ્રમુખ શ્રી વિજયભાઈ કણઝારીયા, પ્રાંત અધિકારી શ્રી સંધ્યાબેન હેરમા, સરકારી શ્રમ અધિકારી શ્રી વિશાલ બોરીચા, અગ્રણી શ્રી યોગેશભાઈ મોટાણી, મુકેશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.











