આજે અમે તમને મળાવવા જઈ રહ્યા છીએ એવા વ્યક્તિત્વને, જેમની વાત સાંભળીને તમને માનવતા પર ગર્વ થશે.

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
વાત છે વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના નાનકડા એવા કોટડા ગામની. જ્યાં એક સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવતા યુવાને અસામાન્ય કામ કરી બતાવ્યું છે.

નામ છે સેવાભાવી ગુરુકૃપા બલાભાઈ.
બલાભાઈ કહે છે કે, સારું કાર્ય કરો ફળ હંમેશા સારું મળશે… અને આ જ વિચારને તેઓ જીવનમાં ઉતારી રહ્યા છે.
કોટડા ગામના આ સામાન્ય પરિવારના દીકરાએ લોકોની સેવા કરવાનો દ્રઢ સંકલ્પ લીધો છે. બલાભાઈ પોતે દિવસ રાત મહેનત મજૂરી કરે છે, પરસેવો પાડે છે અને તે કમાણીમાંથી એક પણ રૂપિયો પોતાના શોખ માટે નહીં, પણ ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકો માટે ખર્ચે છે.
તેમના દ્વારા છેલ્લા ઘણા સમયથી ગરીબ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સમાજમાં ક્યાંક કોઈ વિધવા બહેન એકલી રહેતી હોય, કોઈ નિરાધાર વૃદ્ધ હોય જેને કોઈ સહારો ન હોય, કે કોઈ એવો ગરીબ પરિવાર જે બે ટંકનું ભોજન પણ માંડ માંડ મેળવતો હોય… બલાભાઈને ખબર પડતા જ તેઓ જાતે તેમના ઘરે જઈને રાશન કીટ પહોંચાડે છે.
કોઈ પણ જાતના ફોટા કે પ્રસિદ્ધિની લાલસા વગર, એકદમ નિસ્વાર્થ ભાવે તેઓ આ સેવા યજ્ઞને આગળ ધપાવી રહ્યા છે.
એટલે જ આજે સમગ્ર દિયોદરમાં બલાભાઈને બધા પ્રેમથી “ગુરુકૃપા બલાભાઈ” અને “સેવા ના હુલામણા નામથી” ઓળખે છે.
સમાજ સેવાની સાથે સાથે બલાભાઈ પોતાના સમાજમાં ચાલતા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં પણ સભ્ય તરીકે જોડાયેલા છે અને ત્યાં પણ તેઓ ખૂબ જ સારી અને નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે.
બલાભાઈનું કહેવું છે કે, “ગરીબ મધ્યમ વર્ગના લોકો ની સેવા કરવી તે એક સાચો ધર્મ છે. હું કઈ મોટો માણસ નથી, હું તો એક ગરીબ પરિવારમાંથી આવું છું એટલે ગરીબની વેદના હું સમજું છું. મારાથી થાય એટલી મદદ હું હંમેશા કરતો રહીશ.”
ખરેખર, આજના આ સ્વાર્થી યુગમાં જ્યાં બધા પોતાના માટે જીવે છે, ત્યાં બલાભાઈ જેવા યુવાનો સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. તેમણે પોતાના સારા કાર્યથી સમગ્ર દિયોદર તાલુકા અને પોતાના સમાજનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.
આવા સેવાભાવી બલાભાઈના કાર્યને અમારા દિલથી સલામ છે. કારણ કે ખરા અર્થમાં… જીના ઇસી કા નામ હૈ!










