તારીખ ૧૬/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
નવરાત્રીના પાંચમા નોરતે કાલોલ નગર માતાજીના રંગમાં રંગાઈ ગયું છે. શહેરના મુખ્ય ગરબા ગ્રાઉન્ડથી લઈને શેરી ગલીઓ સુધી ગરબાની રમઝટ જામી છે.
કાલોલ નગરના મહાલક્ષ્મી ચોક, હાઉસિંગ સોસાયટી વિસ્તાર, કાછિયાની વાડી ગરબા ગ્રાઉન્ડ, સપ્ત સમૂહ ગરબા ગ્રાઉન્ડ અને શેઠ ફળિયા સહિતના વિસ્તારોમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. ઢોલના તાલે અને ડીજેના સથવારે ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ત્યારે કાલોલ નવરાત્રી મહોત્સવની ખાસ વિશેષતા એ છે કે માત્ર શહેરીજનો જ નહીં, પરંતુ આજુબાજુના લગભગ 80 ઉપરાંત ગામડાઓની પ્રજા કાલોલ નગરમાં નવરાત્રીનો માહોલ જોવા અને રમવા આવે છે. જેના કારણે સાંજ પડતાની સાથે જ કાલોલના મુખ્ય રસ્તાઓ અને ગરબા ગ્રાઉન્ડમાં ભારે ભીડ જોવા મળે છે. અને ગરબા ગ્રાઉન્ડમાં ખૂબ મોટી સંખ્યામાં ખેલૈયાઓ આધુનિક અને પારંપારિક વસ્ત્રો અને દાંડિયા સાથે રમતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે માત્ર યુવા ધન જ નહીં, પરંતુ મોટી ઉંમરના સ્ત્રી-પુરુષો અને નાના બાળકો પણ અનેરા ઉત્સાહ સાથે ગરબે રમતા જોવા મળે છે. ત્યારે માતાજીની આરાધનાનું આ પર્વ કાલોલ નગરમાં વર્ષોથી ધામધૂમથી ઉજવાય છે, ત્યારે પાંચમા નોરતેથી જ માહોલ સંપૂર્ણપણે નવરાત્રીમય બની ગયો છે.











