*પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લામાં આસો નવરાત્રી તહેવારને ધ્યાને રાખીને ખોરાક અને ઔષધ નિયમન વિભાગ (ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ) દ્વારા વિશેષ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
તા. ૧૧/૧૦/૨૦૨૬ થી તા. ૧૫/૧૦/૨૦૨૬ દરમિયાન પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ પાવાગઢ ખાતે વિવિધ દુકાનો તેમજ ફૂડ સ્ટોલ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ૫૦ થી વધુ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં ₹૩૬,૯૫૯/- (અંકે છત્રીસ હજાર નવસો ઓગણસાઠ) ની કિંમતનો એક્સપાયર થયેલો જથ્થો મળી આવતા તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા વિવિધ પેઢીઓમાંથી ખાદ્ય સામગ્રીના ૩૦ નમૂના લેવામાં આવ્યા છે.
આ સાથે ફૂડ સેફ્ટી વાન (FSW) દ્વારા પાવાગઢ ખાતે જાગૃતિ (અવેરનેસ) પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેમાં પાવાગઢ દર્શનાર્થે જતા ભક્તોને ખાદ્ય સુરક્ષા અંગે ઉપયોગી સમજણ આપવામાં આવી હતી.
બીજી તરફ, ગોધરાના સ્થાનિક ગરબા મહોત્સવ દરમિયાન ખેલૈયાઓને સ્વચ્છ અને ગુણવત્તાસભર ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે ગરબાના આયોજન સ્થળો અને પંડાળોની બહાર લાગતા સ્ટોલ પર પણ તપાસ કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન અખાદ્ય ચટણી, પૌંઆ, સમોસા અને તેલ જેવી વસ્તુઓ ઝડપાતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.










