બોગજ ગામે નવા 66 KV સબસ્ટેશનને મંજૂરી, ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વીજ પુરવઠો સુધરવાની આશા


વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
108 કિમી લાંબી EHT લાઈનના કારણે લો-વોલ્ટેજની સમસ્યા વચ્ચે બોગજ ખાતે નવા સબસ્ટેશનની સ્થાપનાથી વીજળીની ગુણવત્તામાં સુધારો થવાની શક્યતા
ડેડિયાપાડા : ડેડિયાપાડા તાલુકાના બોગજ ગામે નવા 66/11 KV સબસ્ટેશનની સ્થાપના માટે મહત્વપૂર્ણ મંજૂરી મળતાં તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વીજ પુરવઠાની સમસ્યાઓ દૂર થવાની આશા જાગી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા બોગજ ખાતે નવા 66 KV સબસ્ટેશનની જરૂરિયાત અંગેનો પત્ર GETCOને મોકલવામાં આવ્યો છે અને સરકારી જમીન પર સબસ્ટેશન સ્થાપવા માટેની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે.
દસ્તાવેજ મુજબ બોગજ ગામે સર્વે નંબર 208ની સરકારી જમીન પર પ્રસ્તાવિત 66 KV સબસ્ટેશન સ્થાપવાનું આયોજન છે. હાલ બોગજ અને આસપાસના વિસ્તારોને ડેડિયાપાડા સ્થિત 66 KV સબસ્ટેશન પરથી વીજ પુરવઠો આપવામાં આવે છે. લાંબા ફીડરો તથા ડુંગરાળ અને જંગલ વિસ્તારમાંથી પસાર થતી વીજ લાઈનોના કારણે અનેક વિસ્તારોમાં લો-વોલ્ટેજની સમસ્યા જોવા મળે છે.
ખાસ કરીને ડેડિયાપાડા 66 KV સબસ્ટેશનના ઇનકમિંગ તરફ વોલ્ટેજ ક્યારેક લગભગ 50 KV સુધી ઘટી જતું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ ડેડિયાપાડા સબસ્ટેશનને આશરે 108 કિમી લાંબી EHT લાઈન મારફતે વીજ પુરવઠો મળે છે, જે દરમિયાન અનેક સબસ્ટેશનોમાંથી પસાર થાય છે. લાંબા અંતરના કારણે વોલ્ટેજ ડ્રોપ થવાથી ગ્રાહકોને વીજ ઉપકરણો ચલાવવામાં મુશ્કેલી અને લો-વોલ્ટેજની સમસ્યાનો સામનો કરવો પડે છે.
દસ્તાવેજમાં જણાવ્યા મુજબ પ્રસ્તાવિત બોગજ 66 KV સબસ્ટેશન કાર્યરત થયા બાદ હાલના લાંબા ફીડરોનું બિફરકેશન/ડાયવર્ઝન કરી શકાય તેમ છે. જેના કારણે અંતરિયાળ ગામડાઓ સુધી વીજ પુરવઠો પહોંચાડવામાં સુધારો થવાની સાથે વોલ્ટેજ પ્રોફાઇલ અને પાવર ક્વોલિટીમાં પણ સુધારો થવાની શક્યતા છે.
હાલ બોગજથી નજીકનું 66 KV ડેડિયાપાડા સબસ્ટેશન આશરે 7 કિમી અને 66 KV બાલ સબસ્ટેશન આશરે 32 કિમી દૂર છે. નવા બોગજ સબસ્ટેશનથી આસપાસના ગામોના વીજ ગ્રાહકોને વધુ સ્થિર અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી શકે તેવી અપેક્ષા છે.
બોગજ ખાતે 66 KV સબસ્ટેશનનું કામ સત્વરે શરૂ કરવામાં આવે અને પ્રસ્તાવિત કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવી સ્થાનિક ગ્રામજનોમાં પણ આશા વ્ય
ક્ત થઈ રહી છે.










