છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત ધારાસભ્યોની ઉપસ્થિતિમાં નર્મદા સિંચાઈ યોજના અંગે વિશેષ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના જળાશયો તથા તળાવોને નર્મદાના પાણીથી ભરવા માટેની મહત્વપૂર્ણ નર્મદા લિફ્ટિંગ યોજનાને ₹5,497.33 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલી આ યોજનાની ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હોવાનું નેતાઓએ જણાવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા બાદ યોજનાને આગળ વધારવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું. હાલ નબળા ચોમાસાને કારણે આગામી સમયમાં પાણીની તંગી ઊભી થવાની શક્યતા વચ્ચે આ યોજનાના અમલીકરણથી ત્રણેય જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે અને જળસંચયને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓરસંગ અને હેરણ નદી પર ચેકડેમ બનાવવાની કામગીરી અંગે માહિતી આપતાં આશરે 20 ચેકડેમ માટે મંજૂરી મળી હોવાનું તથા પાંચ ચેકડેમને વહીવટી મંજૂરી સાથે વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. બીજી તરફ, નર્મદા સિંચાઈ યોજનાના મુદ્દે પ્રજાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરતાં સાંસદ જશુભાઈ રાઠવા સહિત ભાજપના નેતાઓએ વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. નેતાઓએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને રાજકીય લાભ ખાટવા માટે યોજનાને લઈને ભ્રમ ફેલાવી રહ્યા છે, પરંતુ ભાજપ સરકાર છોટાઉદેપુર સહિત ત્રણેય જિલ્લાના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળે તે માટે પ્રતિબદ્ધ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા અને અન્ય ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.