યોગેશ કાનાબાર રાજુલા

ભાવનગર મંડળના સતર્ક ટિકિટ ચેકિંગ સ્ટાફે બનાવટી ટિકિટોનો પર્દાફાશ કર્યો, બે વ્યક્તિઓ પકડાયા
ત્વરિત કાર્યવાહીથી બનાવટી ટિકિટો પર મુસાફરી કરવાનો મામલો બહાર આવ્યો, GRP દ્વારા કાનૂની તપાસ ચાલુ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં સતર્ક ટિકિટ ચેકિંગ સ્ટાફની સાવચેતી અને કર્તવ્યનિષ્ઠાને કારણે બનાવટી ટિકિટોના આધારે મુસાફરી કરવાનો મામલો બહાર આવ્યો છે. મંડળના કર્મચારીઓની ત્વરિત કામગીરીથી બે વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તા. 15 ઑક્ટોબર, 2026ના રોજ ટ્રેન નંબર 11463 વેરાવળ–જબલપુર એક્સપ્રેસમાં ફરજ પર તૈનાત મુખ્ય ટિકિટ નિરીક્ષક (CTI/વેરાવળ) શ્રી રાજન કુમાર સિંહ દ્વારા નિયમિત ટિકિટ તપાસ દરમિયાન વાંકાનેર જંક્શનથી ટ્રેન ઉપડ્યા બાદ કોચ H-1 અને S-1ના કોરિડોરમાં ઊભેલા બે મુસાફરોની ટિકિટ તપાસવામાં આવી હતી. મુસાફરોએ મોબાઇલ ફોનમાં દર્શાવેલી માસિક સીઝન ટિકિટ (MST) અને મુસાફરીની ટિકિટો શંકાસ્પદ જણાતાં તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભારત સરકારના નામ, રેલવેના લોગો અને બનાવટી સિક્કાઓનો ઉપયોગ કરીને ટિકિટો તૈયાર કરવામાં આવી હોવાની આશંકા સામે આવી હતી.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શ્રી સિંહે તાત્કાલિક વાણિજ્ય નિયંત્રણ કક્ષને જાણ કરી હતી. ત્યારબાદ ટ્રેન સુરેન્દ્રનગર સ્ટેશને પહોંચતાં બંને વ્યક્તિઓને રેલવે સુરક્ષા બળ (RPF)ને સોંપવામાં આવ્યા હતા. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર GRP પોલીસ સ્ટેશનમાં આ મામલે પ્રથમ માહિતી અહેવાલ (FIR) નોંધાવવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન બનાવટી ટિકિટો તૈયાર કરવા અંગે ગોંડલ ખાતે આવેલા એક પ્લાન્ટનો ઉલ્લેખ સામે આવ્યો છે. GRP દ્વારા આ મામલે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. મુખ્ય કાવતરાખોર શ્રી મનમોહનસિંહ ફકિરાલાલ કનોજિયાની ગોંડલથી ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ટિકિટ ચેકિંગ સ્ટાફની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે રેલવેમાં પારદર્શિતા, મુસાફરોની સુવિધાઓની સુરક્ષા અને રેલવેની આવકનું સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભાવનગર મંડળ મુસાફરોને અપીલ કરે છે કે તેઓ માત્ર અધિકૃત રેલવે ટિકિટ કાઉન્ટર, UTS મોબાઇલ એપ અથવા IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી જ ટિકિટ ખરીદે. કોઈપણ અનધિકૃત માધ્યમથી ટિકિટ ખરીદવાનું ટાળે અને માન્ય ટિકિટ સાથે જ મુસાફરી કરે. બનાવટી ટિકિટનો ઉપયોગ કરવો કાયદેસર રીતે દંડનીય ગુનો છે.










