ચીચીનાગાંવઠા રેન્જના વન વિભાગની સફળ કામગીરીથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો..


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ ચીચીનાગાંવઠા રેન્જમાં લાગુ પીંપરી બીટના પીંપરી ગામમાં લાંબા સમયથી ભયનું કારણ બનેલા દીપડાને આખરે વન વિભાગની ટીમે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે.દીપડો પાંજરે પુરાતાં સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, પીંપરી ગામમાં દીપડાની અવરજવર અંગે ગ્રામજનો દ્વારા સ્થાનિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી.આ અંગે ચીચીનાગાંવઠા રેન્જના RFO આર.આર.ચૌહાણ દ્વારા જરૂરી માર્ગદર્શન આપી પીંપરી બીટના વન કર્મચારીઓને દીપડાને પકડવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.જેના પગલે પીંપરી બીટનાં ફોરેસ્ટર અફસાનાબેન તથા તેમની ટીમે સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી વ્યવસ્થા સાથે પાંજરું ગોઠવ્યું હતુ.તા. 17 ઑક્ટોબર, 2026ના રોજ રાત્રે 3:25 વાગ્યે અરજદાર ઘમેન્દ્રભાઈ મનોજભાઈ પવારના ઘરના આંગણે ગોઠવવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાઈ ગયો હતો. ત્યારબાદ વન વિભાગની ટીમે સ્થળ પર રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી દીપડાને સુરક્ષિત રીતે પકડ્યો હતો.દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળ્યા બાદ તેને માનવ વસાહતથી દૂર મોટા પહાડી જંગલ વિસ્તારમાં છોડી મૂકવા માટે વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ચીચીનાગાંવઠા રેન્જના પીંપરી બીટમાં વન વિભાગની આ કામગીરીને સફળતા માનવામાં આવી રહી છે. લાંબા સમયથી દીપડાની અવરજવરને લઈને ચિંતિત ગ્રામજનોને દીપડો પકડાતાં રાહત મળી છે..










