MORBI:વિજયાદશમી પર્વે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન સંપન્ન: એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

મોરબી:અધર્મ પર ધર્મના અને અનિષ્ટ પર ઇષ્ટના વિજયના પ્રતીક સમાન પાવન પર્વ વિજયાદશમી (દશેરા) નિમિત્તે મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી તાલુકા પોલીસ લાઈન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા મુકેશ પટેલની અધ્યક્ષતામાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે શસ્ત્રોનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે ડીવાયએસપી જે. એમ. આલ, ડીવાયએસપી વિરલ દલવાડી તેમજ ડીવાયએસપી કે. પી. પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI), પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) તથા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ શસ્ત્રોની આરતી ઉતારી, કુમકુમ તિલક કરી અર્ચના કરી હતી. સમગ્ર પોલીસ પરિવારે એકત્રિત થઈ વિજયાદશમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ રહે તથા પ્રજાની સુરક્ષા સુનિશ્ચિત બને તેવા સંકલ્પ સાથે શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.














