રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૨.૧૦.૨૦૨૬
પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત ખોડિયારનગર વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં 26 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.મળતી વિગતો અનુસાર, મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના લીમડીયા ગામના વતની અને હાલ હાલોલના ખોડિયારનગરમાં રહી મજૂરી/રોજગારી મેળવતા 26 વર્ષીય પ્રવીણભાઈ મનજીભાઈ ગરાસિયા ગત 21 ઓક્ટોબરના રોજ પોતાના ઘરના બંધ રૂમમાં દુપટ્ટા વડે પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા.ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ સ્થળે પહોંચેલી પોલીસે બંધ રૂમનો દરવાજો ખોલાવી યુવકને નીચે ઉતાર્યો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબે ચકાસણી બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો.આ કરૂણ બનાવ અંગે મૃતકના સાળા બાબુભાઈ તાવિયાડે હાલોલ ટાઉન પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગેની કાયદેસરની તપાસ હાથ ધરી છે.









