તારીખ ૨૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામ માટે ગૌરવ અને હર્ષોલ્લાસની ક્ષણ સર્જાઈ છે. ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા લેવાયેલી CA ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં મૂળ વેજલપુર ગામના તેજસ્વી યુવાન અયાન શાહે સમગ્ર ભારતમાં ૧૧મો ક્રમ હાંસલ કરીને પરિવાર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લાનું નામ રાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે. ત્યારે મૂળ પંચમહાલ જિલ્લાના વેજલપુર ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્થાયી થયેલા જાણીતા ટેક્સ એડવોકેટ તેજસભાઈ રમેશભાઈ શાહના સુપુત્ર અયાન શાહે નાની ઉંમરે જ આ અસાધારણ સફળતા પોતાના નામે કરી છે. ઘરમાં કાયદા અને કરવેરાના અભ્યાસનું વાતાવરણ હોવાની સાથે અયાને પોતાના શિક્ષણ પ્રત્યે શરૂઆતથી જ ઊંડી રુચિ દાખવી હતી.
સતત પરિશ્રમ અને શિસ્તબદ્ધ તૈયારીનું પરિણામ CA ની પરીક્ષા દેશની સૌથી અઘરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સ્થાન ધરાવે છે. અયાન શાહે પોતાની આ સિદ્ધિ અંગે જણાવતાં સ્પષ્ટ કર્યું કે, દૈનિક નિયમિત અભ્યાસ, વિષયોની ઊંડી સૈદ્ધાંતિક સમજ, સતત રિવિઝન અને સમય વ્યવસ્થાપન તેમની સફળતાની મુખ્ય ચાવી રહી છે. કોઈ પણ પ્રકારના માનસિક દબાણ વગર તેમણે આયોજનબદ્ધ રીતે અભ્યાસ હાથ ધર્યો હતો, જેનું પરિણામ આજે રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ પરિણામ સ્વરૂપે સામે આવ્યું છે. ત્યારે પરિણામ જાહેર થતાં જ અયાન શાહના વેજલપુર સ્થિત વતન તેમજ અમદાવાદ નિવાસસ્થાને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વેજલપુર ગ્રામજનો, પંચમહાલ જિલ્લાના વિવિધ અગ્રણીઓ, સ્નેહીજનો અને સામાજિક સંગઠનો દ્વારા પરિવાર પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે. નાના ગામ સાથે જોડાયેલા યુવાને દેશભરમાં ટોપ રેન્કર્સમાં સ્થાન મેળવીને સાબિત કર્યું છે કે દૃઢ સંકલ્પ અને મહેનત આગળ ભૌગોલિક સીમાઓ ક્યારેય અવરોધ બનતી નથી. યુવા પેઢી માટે બન્યા પ્રેરણારૂપ અયાન શાહની આ ઐતિહાસિક સિદ્ધિ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ભારે પ્રેરણાદાયી સાબિત થશે. ઉચ્ચ લક્ષ્યો નિર્ધારિત કરીને સમર્પણભાવથી કાર્ય કરવામાં આવે તો કોઈપણ મુશ્કેલ લક્ષ્યાંક સર કરી શકાય છે તેનું જીવંત ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે. હવે તેઓ આગળની CA Final પરીક્ષાની તૈયારીઓ આરંભશે, જેમાં પણ તેઓ આવી જ ઝળહળતી સફળતા હાંસલ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની દેશના આર્થિક ક્ષેત્રે યોગદાન આપે તેવી શુભેચ્છાઓ ચારેય તરફથી વ્યક્ત થઈ રહી છે.










