વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
*
સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં ૨૫૩ જેટલા દર્દીઓએ લીધો લાભ; આયુર્વેદ અને હોમિયોપથી પદ્ધતિ દ્વારા સ્વાસ્થ્ય વિશે માર્ગદર્શન અપાયું*
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન અને જિલ્લા આયુવેદ શાખા, જિલ્લા પંચાયત દ્વારા નાંધઈ ખાતે ભવ્ય આયુષ મેગા સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપથી નિદાન સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા આયુવેદ અધિકારી વૈદ્ય કાજલબેન મઢીકરે મહેમાનોનું સ્વાગત કરી આયુષ મેગા કેમ્પ અને આયુષ શાખાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ખેરગામ તાલુકા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી પૂર્વેશભાઈ ખાંડાવાલાએ જણાવ્યું હતું કે, સાંપ્રત સમયમાં આયુર્વેદનું મહત્વ ખૂબ વધી ગયું છે અને આયુર્વેદ જીવનશૈલી અપનાવવાથી લાંબા સમય સુધી નિરોગી જીવન વિતાવી શકાય છે. તેમજ રોગોમાં આયુર્વેદ અને ઘરગથ્થુ ઔષધિઓથી શ્રેષ્ઠ પરિણામો મળતા હોવાનું જણાવી તેમણે જિલ્લા અધિકારી ડો. કાજલબેનનો નાંધઈ ગામમાં આયુષ કેમ્પ યોજવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ગ્રામજનોને આ કેમ્પનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.
આ મેગા કેમ્પમાં આયુર્વેદ અને હોમિયોપથી પદ્ધતિ દ્વારા તમામ રોગોનું નિદાન તથા સારવાર કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિર્દર્શન તથા જરૂરી યોગ માર્ગદર્શન, પ્રકૃતિ પરીક્ષણ, જિરીયાટ્રિક ઓપીડી, રોગોથી બચવા માટે આયુર્વેદ-હોમિયોપથી દવાઓનું વિતરણ તેમજ ઔષધીય વનસ્પતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આયુષ્માન આરોગ્ય મંદિરના યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા યોગાસનોનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા કેમ્પના દરેક સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી.
આ સેવાયજ્ઞમાં જિલ્લા પંચાયત સભ્યશ્રી મોહિનીબેન પટેલ, ખેરગામ તાલુકા કારોબારી અધ્યક્ષશ્રી શ્રીમતી જીજ્ઞાબેન પટેલ, ગુણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી ઘિરૂભાઈ પટેલ, પ્રમુખશ્રી જુગલ કિશોરભાઈ પટેલ, ખજાનચીશ્રી દિલીપભાઈ ખજાનચી, નાંધઈના માજી સરપંચશ્રી નટુભાઈ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો. નાંધઈ ખાતે યોજાયેલા આ આયુષ મેગા કેમ્પનો નાગરિકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.










