MORBI:મોરબી ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી: વાંકાનેરના ભીમગુડામાં ગેરકાયદે ખનન પર ત્રાટકી ટીમ, કરોડોનો મુદ્દામાલ જપ્ત


મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ પર તાજેતરમાં થયેલા હુમલા બાદ તંત્ર સખત એક્શન મોડમાં આવી ગયું છે. હુમલા કરનારા તત્ત્વો સામે કડક વલણ અપનાવતા ખનીજ વિભાગે હવે તેમના મળતિયાઓ અને લાગતાવળગતાઓ સામે ગાળિયો મજબૂત કર્યો છે. આ કડી અંતર્ગત વાંકાનેર તાલુકાના ભીમગુડા વિસ્તારમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા.
ભીમગુડા વિસ્તારમાં ફાયરક્લે અને સેન્ડસ્ટોન ખનીજનું ગેરકાયદેસર રીતે ખનન ચાલતું હોવાની માહિતીના આધારે ટીમે ઓચિંતો છાપો માર્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી ગેરકાયદે ખાણકામ ઝડપી લેવામાં આવ્યું હતું અને ખનનમાં ઉપયોગમાં લેવાતા હિટાચી મશીન તેમજ બે ટ્રેક્ટર સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

હાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં ગેરકાયદે ખનનની માપણી હાથ ધરવામાં આવી છે. આ ગેરરીતિ બદલ સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરનો દંડ ફટકારવા તેમજ પોલીસ ફરિયાદ નોંધવા સહિતની આગળની તજવીજ તેજ કરી દેવામાં આવી છે. ખનીજ માફિયાઓ પર તંત્રના આ પ્રહારથી સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.














