
છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામેથી પાંચ વર્ષની બાળકીના અપહરણના કેસમાં ફરાર આરોપીને રંગપુર પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે.

આ બનાવમાં પોલીસે ૨૦ ઓક્ટોબરના રોજ બોડેલી રેલવે સ્ટેશન પરથી બાળકીને શોધી કાઢી સહીસલામત તેના પરિવારજનોને સોંપી હતી. ત્યારબાદ પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન ફરાર આરોપી અમદાવાદમાં પોતાની ઓળખ છુપાવી મજૂરી કરતો હોવાની માહિતી મળતાં રંગપુર પોલીસે કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો હતો. વધુમાં, ઝડપાયેલા આરોપી સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે કવાંટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો પણ નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, બાળકી સહીસલામત મળી આવતાં પરિવારજનો સહિત રંગપુર ગામના ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી. રંગપુર પોલીસ અને છોટાઉદેપુર જિલ્લા પોલીસની સંયુક્ત કામગીરીથી બાળકી હેમખેમ પરિવારને સોંપવામાં આવતાં પરિવારજનો તથા ગામના સામાજિક આગેવાનોએ પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. બાળકીની સુરક્ષિત વાપસી અને અપહરણના કેસમાં ફરાર આરોપીની ધરપકડથી પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
રિપોર્ટર તોસીફ ખત્રી







