29 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠાને મળશે ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ની ભેટ: પશુપાલકોની આવકમાં થશે વધારો.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ભીલડી આગમન પૂર્વે તૈયારીઓની સમીક્ષા માટે આજે રાજ્યના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી અને મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર ભીલડી મુકામે પહોંચ્યા હતા. જ્યાં બીબીબીઆરસી ખાતે વડાપ્રધાનશ્રીના આગમનની તૈયારીઓને લઈને તેમણે સ્થળ નિરીક્ષણ કરી પોતાના સૂચનો આપી તૈયારીઓને લઈ સમગ્રલક્ષી સમીક્ષા કરી હતી.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૦મી ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી બનાસ ડેરીના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ સહિત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ૧૨૭ એકરમાં રૂ. ૩૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલું અત્યાધુનિક ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) છે. બનાસ ડેરીની નવીન સભર ‘બોવાઇન બ્રીડપ્રિન્યોર ક્લબ’ પહેલ હેઠળ દેશના પ્રગતિશીલ ખેડૂતો જોડાયા છે. જે દેશમાં પશુ સંવર્ધન ક્ષેત્રે ક્રાંતિ લાવી દૂધ ઉત્પાદકતા વધારવામાં માઇલસ્ટોન સાબિત થશે.આ ઐતિહાસિક કાર્યક્રમ પૂર્વે મંત્રીશ્રી પ્રવિણભાઈ માળી તથા મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે બનાસ ડેરીના પદાધિકારીઓએ ભીલડી ખાતે BBBRC પરિસર અને વિશાળ સભામંડપની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે મુલાકાત દરમિયાન હજારોની સંખ્યામાં આવનાર ખેડૂતો અને પશુપાલકો માટે પાર્કિંગ, સુરક્ષા, પીવાના પાણી અને યોગ્ય બેઠક વ્યવસ્થા અંગે ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.આ સ્થળ મુલાકાત પ્રસંગે પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેત ઠાકર, ધાનેરાના ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ સહિત બનાસ ડેરીના હોદ્દેદારો અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

















