WAKANER:વાંકાનેરના ખીજડિયામાં કાર નુકસાનીના ખારમાં પ્રૌઢ પર પાઇપ-ધોકાથી જીવલેણ હુમલો: પાંચ સામે ગુનો દાખલ

વાંકાનેર તાલુકાના ખીજડિયા ગામે અગાઉ થયેલા ઝઘડા અને કારના નુકસાનની અદાવત રાખી ૫૪ વર્ષીય પ્રૌઢ પર પાંચ શખ્સોએ લોખંડની પાઇપ તથા લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ હુમલામાં ઇજાગ્રસ્ત પ્રૌઢના હાથની આંગળીઓમાં ફ્રેક્ચર સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે.
ખરીદી કરીને પરત ફરતી વખતે રસ્તામાં આંતર્યા
ખીજડિયા ગામના રહેવાસી અને વ્યવસાયે ડ્રાઇવિંગ કરતા નારણભાઈ લખમણભાઈ સરૈયા (ઉં.વ. ૫૪) ગત તા. ૧૯ ઓક્ટોબરના રોજ પત્ની સાથે વાંકાનેરથી ખરીદી કરી મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ખીજડિયા ગામ નજીક આરોપી સાગરભાઈ મોમભાઈ ડાભીના ગોડાઉન પાસે પહોંચતાં આરોપીઓએ તેમને રસ્તામાં આંતરી લીધા હતા.

કારના નુકસાનના પૈસા બાબતે તકરાર થઈ
ગત તા. ૧૭ ઓક્ટોબરના રોજ બંને પરિવારો વચ્ચે થયેલા ઝઘડામાં આરોપી સાગરભાઈની વેન્યુ કારમાં નુકસાન થયું હતું. આ નુકસાનીના પૈસા આપવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપી સાગરભાઈ ડાભી, મોમભાઈ ભીખાભાઈ ડાભી અને કેણાભાઈ ભીખાભાઈ ડાભીએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
આ દરમિયાન ભરતભાઈ મૈયાભાઈ ગરીયાએ પાઇપ વડે માથાના ભાગે ઘા કરવાનો પ્રયાસ કરતાં નારણભાઈએ બચાવ માટે હાથ આડો ધર્યો હતો, જેમાં તેમના જમણા હાથની આંગળીઓમાં ફ્રેક્ચર થયું હતું. અન્ય આરોપી મોમભાઈ પોલાભાઈ ગરીયાએ લાકડી વડે પીઠના ભાગે માર માર્યો હતો.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર, પાંચેય સામે ગુનો દાખલ
ઇજાગ્રસ્ત નારણભાઈને તાત્કાલિક કુવાડવા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી હોવાથી ધરપકડના ડરથી તેઓ પોલીસ સમક્ષ આવ્યા નહોતા. હાલ નારણભાઈ પોલીસ રિમાન્ડ પર હોવાથી તેમણે હોસ્પિટલ અને રિમાન્ડ પ્રક્રિયા બાદ વિધિવત ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે પાંચેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા જીપી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.














