MORBI- મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મહાનગરપાલિકાના મેયરને કરાઈ મહત્વપૂર્ણ રજૂઆત

– પૂર, ધરતીકંપ અને આપત્તિઓ સમયે પ્રજાની પડખે ઊભા રહીને અનોખી લોકસેવા કરનાર રાજમાતાને કાયમી યાદગાર બનાવવા માંગ
મોરબી સ્ટેટ અને રાજવી પરિવારનો ઇતિહાસ હંમેશાં લોકકલ્યાણ અને પ્રજાસેવા માટે અગ્રેસર રહ્યો છે. ત્યારે મોરબીના લોકપ્રિય રાજમાતા વિજયકુંવરબા સાહેબના લોકઉપયોગી કાર્યો અને પ્રજા પ્રત્યેના અસાધારણ સમર્પણભાવની કાયમી યાદગીરીરૂપે, મોરબીના ઐતિહાસિક ‘મણીમંદિર’ સામે તેમનું પૂર્ણ કદનું સ્ટેચ્યુ (પ્રતિમા) મૂકવા માટે જોરદાર માંગ ઉઠી છે.

આ અંગે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી મહાનગરપાલિકાના મેયર સમક્ષ એક લેખિત અને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી સ્ટેટે હંમેશાં પ્રજાને સર્વસ્વ આપ્યું છે. જ્યારે-જ્યારે મોરબીમાં પૂર-હોનારત, વિનાશક ધરતીકંપ કે અન્ય કોઈ કુદરતી આપત્તિઓ આવી છે, ત્યારે રાજમાતા વિજયકુંવરબાએ હંમેશાં મોરબીની પ્રજાની સાથે રહીને સાચો હૂંફ અને સહારો પૂરો પાડ્યો છે.
રાજમાતા દ્વારા આજે પણ વૃદ્ધાશ્રમ, લખધીર લાઈબ્રેરી, દવાખાના તથા વિધવા પેન્શન યોજના જેવા અનેક લોકઉપયોગી કાર્યો દ્વારા જનસેવા અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે. મોરબીની પ્રજા સાથે તેમનો સંબંધ હંમેશાં કોઈ રાજા-પ્રજાનો નહીં, પરંતુ એક પરિવાર જેવો રહ્યો છે.
મોરબી શહેરના ઐતિહાસિક વારસા સમાન ‘મણીમંદિર’ ખાતે રાજમાતા વિજયકુંવરબા સાહેબનું પૂર્ણ કદનું સ્ટેચ્યુ મૂકવામાં આવે, તો મોરબીની સ્થાનિક પ્રજા તેમજ બહારથી આવતા પ્રવાસીઓ અને પર્યટકોને ખ્યાલ આવી શકે કે મોરબીના રાજમાતાની લોકસેવા અહીં સદાય હાજરાહજૂર છે. આ પ્રતિમા આવનારી પેઢીઓ માટે પણ સેવાનું ઉત્તમ પ્રેરણાસ્ત્રોત બની રહેશે તેવી આશા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.













