
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જિલ્લા કક્ષાના પી.એમ. કિસાન ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના ડીસા-ભીલડી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમના ભાગરૂપે બોડેલીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા અંતર્ગત દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં ડી.બી.ટી. મારફતે રૂ.18,680 કરોડથી વધુની સહાય જમા કરવામાં આવી છે, જેમાં ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.1,051 કરોડથી વધુની સહાય મળી છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં 1,04,104 ધરતીપુત્રોના બેંક ખાતામાં કુલ રૂ.20.87 કરોડની સહાય સીધી જમા થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્યો અભેસિંહભાઈ તડવી અને રાજેન્દ્રસિંહ રાઠવા, કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી ઓમકાર શિંદે, જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખ, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ હેમલતાબેન કોલી, બોડેલી નગરપાલિકા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ખેડૂતોએ બનાસકાંઠાના ડીસા-ભીલડી ખાતે યોજાયેલા મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર તોસીફ ખત્રી









