દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી કેસોમાં સંભવિત વધારાને પગલે અમરેલી જિલ્લાની 108, 112 અને 102ની ટીમો એલર્ટ મોડ પર

યોગેશ કાનાબાર અમરેલી

# દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી કેસોમાં સંભવિત વધારાને પગલે અમરેલી જિલ્લાની 108, 112 અને 102ની ટીમો એલર્ટ મોડ પર

### સમગ્ર જિલ્લામાં ઇમરજન્સી સેવાઓને સ્ટેન્ડબાય રહેવાના આદેશો, તમામ ઇમરજન્સી કર્મચારીઓની રજાઓ રદ કરી તંત્ર સજ્જ બન્યું

**અમરેલી:** દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન ઇમરજન્સી ઘટનાઓમાં સંભવિત વધારો થવાની આગાહીને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ઇમરજન્સી સેવાઓને સજ્જ કરવામાં આવી છે. તહેવારો દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીના સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે અમરેલી જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવા, 112 પોલીસ ઇમરજન્સી સેવા તેમજ 102ની આરોગ્યલક્ષી સેવા સહિતની તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

તહેવારો દરમિયાન અકસ્માત, આગની ઘટના, આરોગ્યલક્ષી કટોકટી સહિતની વિવિધ ઇમરજન્સી પરિસ્થિતિઓમાં તાત્કાલિક પ્રતિસાદ મળી રહે તે માટે સમગ્ર અમરેલી જિલ્લાની ઇમરજન્સી વ્યવસ્થાને વધુ સક્રિય બનાવવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત તમામ ઇમરજન્સી સેવાઓને સ્ટેન્ડબાય રહેવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, તહેવારો દરમિયાન સેવાઓમાં કોઈ વિક્ષેપ ન સર્જાય તે હેતુથી ઇમરજન્સી વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે થઈ રહી છે. ત્યારે 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ (EMS) દ્વારા છેલ્લા એક વર્ષના ઇમરજન્સી કેસોના આંકડા અને વર્તમાન પરિસ્થિતિના વિશ્લેષણના આધારે દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ દરમિયાન ઇમરજન્સી કેસોમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સામાન્ય દિવસોની સરખામણીએ તહેવારોના દિવસોમાં વાહન અકસ્માતો સહિતની ઇમરજન્સી ઘટનાઓમાં વધારો થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અગાઉથી જ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેથી કોઈપણ કટોકટીના સમયે દર્દીઓને સમયસર તબીબી સહાય અને નાગરિકોને તાત્કાલિક ઇમરજન્સી સેવા ઉપલબ્ધ કરાવી શકાય.

**અમરેલી જિલ્લામાં ઇમરજન્સી વ્યવસ્થાનું સુચારુ સંચાલન**

સમગ્ર અમરેલી જિલ્લામાં એક પ્રોગ્રામ મેનેજર તેમજ ત્રણ ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવની ટીમ દ્વારા અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સતત કામગીરી કરવામાં આવી રહી છે. તહેવારો દરમિયાન તમામ ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહે, જરૂરી સંકલન જળવાઈ રહે અને કોઈપણ સ્થળે ઘટનાની જાણ થતાં તાત્કાલિક મદદ પહોંચે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

108, 112 અને 102ની ટીમો સહિત સંબંધિત ઇમરજન્સી કર્મચારીઓને સતત સતર્ક રહેવા અને ફરજ પર હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. સમગ્ર ટીમ તહેવારો દરમિયાન નાગરિકોની સેવા માટે ખડે પગે તૈનાત રહેશે.

**નાગરિકોને સાવચેતી રાખવા અપીલ**

ઇમરજન્સી સેવાઓ દ્વારા નાગરિકોને દિવાળીના પર્વ દરમિયાન ફટાકડા ફોડતી વખતે ખાસ તકેદારી રાખવા, વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, નશાની હાલતમાં વાહન ન ચલાવવા તેમજ કોઈપણ અકસ્માત કે આરોગ્યલક્ષી કટોકટીના સમયે તાત્કાલિક ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

દિવાળીના તહેવારોમાં લોકો ખુશી અને ઉત્સાહ સાથે ઉજવણી કરી શકે અને જરૂરિયાતના સમયે તેમને તાત્કાલિક મદદ મળી રહે તે માટે અમરેલી જિલ્લાની સમગ્ર ઇમરજન્સી ટીમ સેવા અને સમર્પણની ભાવના સાથે ખડે પગે તૈનાત રહેશે.

યોગેશ કાનાબાર રાજુલા

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો