વડાસણ અને સયાજીનગર ગામના ખાલી તળાવો ભરવા સિંચાઈ માટે પાણી
છોડાયું

પાણીના વધામણાં સાથે ગ્રામજનોએ કર્યું સ્વાગત; ધારાસભ્ય અને જિલ્લા પંચાયત સદસ્યનો ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરાયો
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ડાભલા-૦૮ જિલ્લા પંચાયત મતવિસ્તાર અંતર્ગત આવતા વડાસણ અને સયાજીનગર ગામે સિંચાઈના હેતુથી ખાલી પડેલા તળાવો ભરવા માટે આજરોજ પાણી છોડવામાં આવ્યું હતું. લાંબા સમયથી ખાલી પડેલા તળાવોમાં પાણીની આવક થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે બંને ગામના ગ્રામજનોએ પરંપરાગત રીતે પાણીના વધામણાં કરી આવકાર્યું હતું.
આ પ્રસંગે બંને ગામના સરપંચશ્રીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તળાવોમાં પાણી ભરાવાની કામગીરીથી ખેતી અને સિંચાઈ માટે ઉપયોગી જળસંગ્રહ વધવાની આશા સાથે ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
આ કામગીરી બદલ વડાસણ અને સયાજીનગર ગામના ગ્રામજનોએ વિજાપુર તાલુકાના ધારાસભ્ય તથા જિલ્લા પંચાયત સદસ્યનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
જળસંચય એ જળસમૃદ્ધિનો આધાર અને ખેડૂતોની ખુશી એ જ સાચો સંતોષના સંદેશ સાથે ગ્રામજનોએ પાણીના સદુપયોગ અને જળસંગ્રહનું મહત્વ પણ વ્યક્ત કર્યું હતું.








