MORBI:મોરબી જિલ્લામાં ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત પાંચ તાલુકાઓમાં યોજાયેલા ૩૨ પ્રાકૃતિક ખેતીની તાલીમોમાં ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ લીધો ઉત્સાહભેર ભાગ

રાસાયણિક ખાતરો પર નિર્ભરતા ઘટાડી જમીનની ફળદ્રુપતા અને સ્વાસ્થ્ય જાળવવા નિષ્ણાતો દ્વારા ખેડૂતોને અપાઈ રહી છે માર્ગદર્શક તાલીમ
મોરબી જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ ફેલાવવા, જમીનની ફળદ્રુપતા અને તંદુરસ્તી જાળવવા તેમજ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓની નિર્ભરતા ઘટાડવાના ઉમદા હેતુસર જિલ્લાભરમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત વિશેષ તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોનું સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે.

ખેત બચાવો અભિયાન હેઠળ ખેતીને પર્યાવરણમૈત્રી, આર્થિક રીતે સધ્ધર અને લાંબા ગાળે ટકાઉ બનાવવાનો છે, જેથી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી સમૃદ્ધ બને તે હેતુથી ગત તા. ૨૭/૧૦/૨૦૨૬ થી તા. ૩૦/૧૧/૨૦૨૬ સુધી નિર્ધારિત આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકાઓમાં કુલ ૩૨ તાલીમ સત્રો યોજવામાં આવ્યા છે, જેમાં બહોળી સંખ્યામાં ઉત્સાહી ખેડૂતો જોડાઈને કુલ ૩,૨૦૦ થી વધુ ખેડૂતોએ આ તાલીમનો લાભ લીધો છે.આ કાર્યક્રમો દરમિયાન કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો જેવા કે બીજામૃત, જીવામૃત/ઘન જીવામૃત, આચ્છાદન, વાફસા અને મિશ્ર પાક પદ્ધતિ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત જમીનમાં જૈવિક પ્રવૃત્તિઓ વધારવી, જમીનનો ભેજ જાળવી રાખવો, સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવો, પાકની વિવિધતા અપનાવવી અને ખેતી ખર્ચમાં ઘટાડો કરવા અંગે પણ ખેડૂતોને સઘન માહિતગાર કરવામાં આવી રહ્યા છે.










