MORBI:મોરબી જિલ્લાના ખેડૂત મિત્રો માટે ખાસ રવિ ઋતુ પાક આયોજન: બદલાતી આબોહવા અને ઓછા પાણીની સ્થિતિમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા કૃષિ વિભાગની સલાહ

પિયત પાણીની અછત વચ્ચે ટપક સિંચાઈનો ઉપયોગ કરવા, બિયારણની યોગ્ય માવજત અને ભલામણ કરેલ પાકોનું વાવેતર કરવા અનુરોઘ
ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન વૈશ્વિક સ્તરે ‘અલ નીનો’ની અસરના કારણે ચોમાસાના વરસાદમાં અનિયમિતતા અને જળાશયોમાં પાણીની ઉપલબ્ધતાને ધ્યાને રાખી, ખેતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા રવિ ઋતુમાં પાક વાવેતર અંગેનું મહત્વપૂર્ણ માર્ગદર્શન બહાર પાડવામાં આવ્યું છે.ખેડૂત મિત્રોએ પોતાના ખેતરમાં ઉપલબ્ધ પિયતના સ્ત્રોત મુજબ જ પાકોનું આયોજન કરવાનું રહેશે.

આ આયોજન અંતર્ગત ખરીફ પાકની લણણી બાદ જમીનની સમયસર તૈયારી કરી ભેજનો મહત્તમ લાભ લેવા, વાવણી અગાઉ બિયારણને ભલામણ કરેલ ફૂગનાશક કે કીટકનાશક દવાનો પટ આપી જૈવિક ખાતરોનો ઉપયોગ કરવા તથા વાવણી વખતે બીજનો દર ૧૫ થી ૨૦ ટકા વધારી બે હાર વચ્ચેનું અંતર ઘટાડવા સલાહ અપાઈ છે.
પાણીની બચત માટે ખુલ્લા ધોરિયાને બદલે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી ૩૫% થી ૫૦% સુધી પાણીની બચત કરવા, જમીનમાં ભેજ જાળવી રાખવા મલ્ચિંગ કરવા તેમજ સેન્દ્રિય ખાતરોના ઉપયોગથી જમીનની ભેજધારણ ક્ષમતા વધારવા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
રવિ ઋતુમાં ચણા, રાયડો, જીરું, ધાણા, વાલ/પાપડી, ચોળા, ઘાસચારો, સુવા, મગ, અડદ, અજમો, રાજગરો, ના પાકો તથા જુવાર અને મકાઈ સહિતના મુખ્ય પાકોની સુધારેલી જાતોનું વાવેતર કરવા તથા વધુ માર્ગદર્શન માટે ગ્રામ સેવક કે જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.










