વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
શિક્ષણ, કન્યા કેળવણી, પુસ્તકાલય અને રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન – શિક્ષક તરીકે શરૂ થયેલી સફર આજે આદર્શ આચાર્ય તરીકેની ઓળખ બની.
નખત્રાણા,તા-૦૬ સપ્ટેમ્બર : પોતાના કર્મને જ ધર્મ માનીને જીવનનો અડધાથી વધુ સમય કચ્છની શિક્ષણસેવા અને રમતગમત ક્ષેત્રે સમર્પિત કરનાર, કચ્છને માત્ર કર્મભૂમિ નહીં પરંતુ જીવનભૂમિ બનાવનાર શિક્ષણસાધક ડૉ. વિષ્ણુભાઈ મગનભાઈ ચૌધરી, આચાર્યશ્રી, શ્રી સારસ્વતમ્ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નીરોણાને કચ્છ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. શિક્ષક દિનના પાવન અવસરે મળેલું આ સન્માન તેમની દાયકાઓ લાંબી શિક્ષણસાધના, સંઘર્ષ અને સમર્પણની ગૌરવગાથાનું સન્માન બની રહ્યું છે.
જેમને શિક્ષક પિતા દ્વારા ગળથૂથીમાં જ શિક્ષણ મળ્યું છે એવા ડૉ. વિષ્ણુભાઈ ચૌધરીએ વર્ષ ૨૦૦૧માં શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય, ભુજ ખાતે શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૦૧થી ૨૦૦૮ સુધીની આ સેવાયાત્રામાં તેમને વરિષ્ઠ અને અનુભવી શિક્ષકોનું માર્ગદર્શન મળ્યું, જે તેમની આગળની શિક્ષણયાત્રાનો મજબૂત પાયો બન્યું. તે સમયના સ્ટાફરૂમમાં આજના માનનીય રાજ્યમંત્રીશ્રી છાંગાસાહેબ સહિતના શિક્ષણસાધકો પાસેથી મળેલા સંસ્કાર અને માર્ગદર્શનને તેઓ આજે પણ પોતાની સફળતાની યાત્રાનો અમૂલ્ય હિસ્સો માને છે.
ત્યારબાદ છેલ્લા ૧૮ વર્ષથી શ્રી સારસ્વતમ્ પરિવાર સાથે જોડાઈ તેમણે અંતરિયાળ વિસ્તાર અને પાવરપટ્ટીના કેન્દ્રરૂપ ગામ જેણે આજે પંચકલાઓના ધામ તરીકે ઓળખ મેળવી છે, એવા નીરોણા ગામ અને આસપાસ વિસ્તારમાં શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું છે. અંતરિયાળ વિસ્તારની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે ગામ છોડવું ન પડે અને ગામમાં જ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની તક ઉપલબ્ધ બને તેવા ઉમદા હેતુથી જૂન-૨૦૧૫માં ઉચ્ચતર માધ્યમિક વિભાગ શરૂ કરવામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. આ પહેલથી કન્યા કેળવણીને વેગ મળ્યો અને અનેક દીકરીઓના શિક્ષણ સપનાને નવી દિશા મળી.
આચાર્ય તરીકે તેમના સક્ષમ નેતૃત્વ અને સમગ્ર ટીમના સતત પ્રયત્નોના પરિણામે શાળાએ SSC અને HSC બંનેમાં સતત ત્રીજા વર્ષે ૧૦૦ ટકા પરિણામ મેળવી શૈક્ષણિક ક્ષેત્રે ગૌરવ વધાર્યું છે. જોકે ડૉ. ચૌધરી માટે શિક્ષણની સફળતા માત્ર પરીક્ષાના પરિણામ પૂરતી સીમિત નથી. વિદ્યાર્થીના વ્યક્તિત્વમાં જ્ઞાન, સંસ્કાર, આત્મવિશ્વાસ અને સમાજ તથા રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનું નિર્માણ થાય, તેને તેઓ શિક્ષણની સાચી સફળતા માને છે. વળી, છેલ્લા ત્રણ વર્ષથી તેમના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારના સહકાર અને સંકલનથી “પ્લાસ્ટિક મુક્ત વિદ્યાલયથી પ્લાસ્ટિક મુક્ત નીરોણા” અભિયાન ચલાવી પર્યાવરણ બચાવવાનું વિશેષ કાર્ય કરી રહ્યા છે. સેવા સાધના સંચાલિત શ્રી ફુલપીર દાદા પુસ્તકાલયના માધ્યમથી શાળાના હજારો પુસ્તકો ગ્રામજનો સુધી પહોંચાડી “વાંચે નીરોણા – વિચારે નીરોણા” અભિયાનને વેગ આપવાનું વિશેષ કાર્ય કર્યું છે.
શાળાના વિકાસમાં પણ તેમનું યોગદાન વિશેષ રહ્યું છે. લોકફાળાના સહયોગથી શાળાના નૂતન અને આધુનિક ભવનના નિર્માણમાં તેમણે આગવી ભૂમિકા ભજવી છે. તેમના માટે આ ભવન માત્ર ઈંટ-સિમેન્ટનું બાંધકામ નથી, પરંતુ આવનારી પેઢીના સપનાઓને પાંખ આપતું અને જ્ઞાન-સંસ્કારના નવા યુગનું નિર્માણ કરતું પવિત્ર ધામ છે.
રમતગમત ક્ષેત્રે પણ ડૉ. ચૌધરીનું યોગદાન શાળાની ચાર દીવાલો પૂરતું સીમિત રહ્યું નથી. પોતાની શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત સમગ્ર કચ્છ જિલ્લાના અનેક ખેલાડીઓને માર્ગદર્શન, પ્રોત્સાહન અને યોગ્ય દિશા આપીને તેમણે રમતગમત ક્ષેત્રે પણ આગવી ઓળખ ઊભી કરી છે. ક્રીડા ભારતી કચ્છ વિભાગના વાલી તરીકે ભારતીય મૂળની દેશી રમતો બાબતે પણ સમગ્ર કચ્છમાં વિશેષ કાર્ય કરી રહ્યા છે. જો એમના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો દરરોજ સ્વયં સાયકલિંગના માધ્યમથી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા માટે યુવાનોને પ્રેરિત કરી રહ્યા છે.
*પ્રથમ પગલાં જ્યાં પડ્યાં, ત્યાં જ જીવનકાર્યનું સન્માન*
આ જિલ્લા કક્ષાનું સન્માન ડૉ. ચૌધરી માટે ખાસ એટલા માટે પણ ભાવસભર છે કે જ્યાંથી તેમણે ૨૦૦૧માં યુવા શિક્ષક તરીકે પોતાની સેવા યાત્રાનો પ્રારંભ કર્યો હતો, એ જ સંસ્થા સાથે સંકળાયેલી શિક્ષણયાત્રાના સંસ્મરણો વચ્ચે આજે તેમના જીવનકાર્યને સન્માન મળ્યું છે. યુવા શિક્ષકથી આદરણીય આચાર્ય સુધીની આ સફર માત્ર પદ અને પુરસ્કારની યાત્રા નથી; તે સંસ્કાર, સંઘર્ષ, સંવેદના અને સમર્પણની યાત્રા છે.
સન્માન સ્વીકારતાં ડૉ. ચૌધરીએ જણાવ્યું કે, “કચ્છ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે મળેલું આ સન્માન મારા માટે પુરસ્કાર કરતાં વધુ જવાબદારી છે. આ સન્માનની પાછળ મારા શિક્ષકમિત્રોની મહેનત, વિદ્યાર્થીઓની લગન, વાલીઓનો વિશ્વાસ, ગામજનો અને દાતાશ્રીઓનો સહયોગ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા શ્રી સારસ્વતમ્ ટ્રસ્ટનું સતત માર્ગદર્શન છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “શિક્ષકનું સાચું સન્માન મંચ પર મળતા પુરસ્કારમાં નહીં, પરંતુ તેના વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્યમાં રહેલું છે.”
આ સન્માનને તેઓ શ્રી સારસ્વતમ્ ટ્રસ્ટ, પોતાની શાળા અને સમગ્ર શાળા પરિવારને સમર્પિત કરતાં આવનારી પેઢીના શ્રેષ્ઠ ભવિષ્ય માટે વધુ ઊર્જા અને સમર્પણથી કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કરે છે.
“સન્માન મળ્યું છે… હવે જવાબદારી વધુ નિષ્ઠાથી નિભાવવી છે.”ડૉ. વિષ્ણુભાઈ ચૌધરીની શિક્ષણયાત્રા એ સાબિત કરે છે કે સાચો શિક્ષક માત્ર પાઠ્યપુસ્તક ભણાવતો નથી; તે વિદ્યાર્થીના સપનાઓને દિશા આપે છે, સંસ્કારનું સિંચન કરે છે અને સમાજના ભવિષ્યનું ઘડતર કરે છે. જિલ્લા કક્ષાનું આ સન્માન તેમની અત્યાર સુધીની સાધનાનું ગૌરવપૂર્ણ સન્માન તો છે જ, સાથે તેમની આગામી શિક્ષણ સેવા માટે નવી જવાબદારી અને નવી ઊર્જાનો સંકલ્પ પણ છે.









