અરવલ્લી
અરવલ્લી – બાઇક રેસિંગ ગેંગનો આતંક, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ – દધાલિયા ગામે બાઇકોના સાઇલેન્સરમાંથી નીકળતી ચિનગારીઓના દ્રશ્યો વાયરલ

અરવલ્લી જિલ્લામાં લૂખા તત્વોનો આતંક ફરી એકવાર જોવા મળ્યો હોવાના આક્ષેપો વચ્ચે એકસાથે મોટી સંખ્યામાં બાઇકો સાથે ફરતી ગેંગના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. દધાલીયા ગામના લોકેશન સાથે વાયરલ થયેલા વીડિયોએ સ્થાનિકોમાં ચિંતા અને ભયનો માહોલ સર્જ્યો છે.
વાયરલ વીડિયોમાં 15 જેટલી બાઇકો સાથે યુવકોનું ટોળું ફરતું જોવા મળે છે, જ્યારે કેટલાક સ્થળોએ બાઇકોની રેસિંગ અને જોખમી રીતે બાઇક ચલાવવાના દ્રશ્યો પણ જોવા મળતા હોવાના દાવા થઈ રહ્યા છે. દધાલીયા ગામે બાઇકોના સાઇલેન્સરમાંથી નીકળતી ચિનગારીઓના દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.
આ ઉપરાંત હાઈવે પર એકસાથે બાઇકો રસ્તાની વચ્ચે ઊભી રાખી લોકો માટે જોખમી સ્થિતિ ઊભી કર્યાનો વીડિયો પણ વાયરલ થયો છે. યુવકો દ્વારા આવા દ્રશ્યોની ઇન્સ્ટાગ્રામ રીલ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

બેફામ બાઇક રેસિંગ અને જાહેર માર્ગ પર જોખમી સ્ટંટના કારણે અકસ્માતની શક્યતા વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે વાયરલ વીડિયોની તપાસ કરી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.








