ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા પોષણ અભિયાન અંતર્ગત તા. ૯ સપ્ટેમ્બર થી તા. ૮ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન સમગ્ર દેશ અને રાજ્યમાં ‘૯મો રાષ્ટ્રીય પોષણ માહ–૨૦૨૬’ની ઉજવણી ‘આપણી આંગણવાડી, આપણી જવાબદારી’ના મુખ્ય સૂત્ર હેઠળ યોજવામાં આવી રહી છે. આ પોષણ માહની ઉજવણીના સુચારુ આયોજન, અસરકારક અમલીકરણ તેમજ વિવિધ વિભાગો વચ્ચે અંતર-વિભાગીય સંકલન જાળવવા આજે જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી જયંતસિંહ રાઠૌરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોષણ માહ–૨૦૨૬ અંતર્ગત નક્કી કરવામાં આવેલા પાંચ મુખ્ય ઉપવિષયો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આહારની વિવિધતા અને પર્યાપ્ત પ્રોટીન, આંગણવાડી કેન્દ્રો પર તાજું ગરમ રાંધેલું ભોજન (HCM), સામુદાયિક માલિકીપણું અને જવાબદારી, બાળપણના વિકાસ માટે પોષણ અને પ્રારંભિક ઉત્તેજન (ECCE) તથા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY)ના ૧૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અને ૧૦૦ ટકા નોંધણીનો સમાવેશ થાય છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આરોગ્ય, પંચાયત, શિક્ષણ, કૃષિ, આયુર્વેદ, પાણી પુરવઠા, માહિતી ખાતું અને આઈસીડીએસ સહિતના તમામ સંલગ્ન વિભાગોને ગ્રામ્ય, સેજા અને તાલુકા કક્ષાએ પરસ્પર સંકલન સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન અને અમલીકરણ કરવા સૂચના આપી હતી. તેમણે પોષણ માહ દરમિયાન યોજાનારી દૈનિક પ્રવૃત્તિઓની એન્ટ્રી જન આંદોલન ડેશબોર્ડ પર સમયસર કરવામાં આવે તેમજ જૂનાગઢ જિલ્લામાં પોષણ માહને માત્ર સરકારી કાર્યક્રમ પૂરતો સીમિત ન રાખી તેને જન આંદોલનનું સ્વરૂપ આપી ‘સુપોષિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા તમામ વિભાગોએ સંકલિત પ્રયાસો કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયત તથા જિલ્લા કલેક્ટર કચેરી હેઠળના વિવિધ વિભાગોના વડાઓ, નોડલ અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ, બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ, મુખ્યસેવિકાશ્રીઓ, બ્લોક કો-ઓર્ડિનેટર—પોષણ અભિયાન તથા જિલ્લા કચેરીના સંબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પોષણ શપથ ગ્રહણ કરી જિલ્લામાં પોષણલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










