અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – વરસાદ ખેંચાતા જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિની ભીતિ ,સોયાબીન, મગફળી, મકાઈ સહિતના પાક સુકાવા લાગતા ખેડૂતોની ચિંતા વધી
અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. ચોમાસાની આશાએ વાવેતર કરેલા સોયાબીન, મગફળી, અડદ અને મકાઈ સહિતના પાકને પૂરતું પાણી નહીં મળતા ખેતરોમાં ઊભો પાક સુકાવા લાગ્યો છે. બીજી તરફ તળાવો, નદી અને બોરમાં પણ પાણીનો જથ્થો ઘટી રહ્યો હોવાથી આગામી દિવસોમાં પાણીની સમસ્યા વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખેડૂતોએ મહેનત કરીને ચોમાસું પાકનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં વરસાદ થતાં પાકને સાનુકૂળ વાતાવરણ મળ્યું હતું, પરંતુ હવે લાંબા સમયથી વરસાદ નહીં પડતા પાકને નુકસાન થવાની શક્યતા વધી છે. પાક તૈયાર થવાના તબક્કે વરસાદ ખેંચાતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.પાકને બચાવવા માટે ખેડૂતો પોતાના સ્તરે બોર તેમજ અન્ય પાણીના સ્ત્રોતો દ્વારા સિંચાઈ કરી રહ્યા છે. જોકે, પાણીના સ્ત્રોતોમાં પણ જથ્થો ઓછો હોવાથી સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહે તેવી સ્થિતિ નથી. કેટલાક વિસ્તારોમાં સિંચાઈની કોઈ સુવિધા ન હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે.ખેડૂતોના જણાવ્યા મુજબ, અરવલ્લી જિલ્લામાં અનેક મોટા તળાવો આવેલા છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં તળાવો હોવા છતાં કેનાલ કે અન્ય સિંચાઈ સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે વરસાદી પાણીનો ખેતી માટે પૂરતો ઉપયોગ થઈ શકતો નથી. હાલ વરસાદી પાણીનો જથ્થો ઘટતા તળાવો પણ ખાલીખમ થવા લાગ્યા છે અને પશુઓ માટે પણ પાણીની સમસ્યા ઊભી થવાની ભીતિ છે

રેલ્લાવાડા, કુણોલ, વાવકંપા, ખાખરીયા અને ઇસરી સહિતના વિસ્તારોમાં મોટા તળાવો આવેલા છે. ઉપરાંત મોટી માઝુમ નદી પણ વિસ્તારમાંથી પસાર થાય છે, પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ સિંચાઈ યોજનાઓ મારફતે પૂરતું પાણી ખેતી માટે મળતું નથી. પરિણામે પાણીના સ્તર જાળવી રાખવા અને ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડી રહી છે.વરસાદ હજુ નહીં પડે તો ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ખેડૂતોએ સરકાર પાસે પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં તાત્કાલિક ધ્યાન દોરી સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ પાકને નુકસાન થાય તો યોગ્ય વળતર અને સહાય ચૂકવવાની માંગ કરી છે.
હાલ અરવલ્લી જિલ્લાના ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે. આગામી દિવસોમાં વરસાદ થાય તો પાકને જીવનદાન મળી શકે તેમ છે, પરંતુ વરસાદ વધુ ખેંચાય તો જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય તેવી ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.









