અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – મરણ પામેલા વ્યક્તિની જગ્યાએ અન્ય વ્યક્તિને ઉભો રાખી દસ્તાવેજ કરાવ્યાનો આક્ષેપ, કઉ ગામની સીમમાં જમીનના વેચાણ દસ્તાવેજ મામલે સરપંચ સહિત પાંચ સામે ફરિયાદ
કઉ ગામની સીમમાં 64 ગુંઠા જમીનના વેચાણ દસ્તાવેજ મામલે જમીન દલાલ સહિત પાંચ સામે ફરિયાદ

મોડાસા તાલુકાના કઉ ગામની સીમમાં આવેલી 64 ગુંઠા જમીનના વેચાણ દસ્તાવેજમાં છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં મરણ પામેલા જમીન માલિકની જગ્યાએ અન્ય વ્યક્તિને ઉભો રાખી ખોટો દસ્તાવેજ તૈયાર કરાવી તેનો ઉપયોગ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.મોડાસાના ટાઢા ફાર્મ વિસ્તારમાં રહેતા અને ખેતી તથા વેપાર સાથે સંકળાયેલા 60 વર્ષીય ઇરફાનભાઈ ટાઢાએ તા. 10 સપ્ટેમ્બર 2026ના રોજ ફરિયાદમાં જણાવ્યું છે કે, કઉ ગામની સીમમાં સર્વે નં. 424, જૂનો સર્વે નં. 325, ખાતા નં. 122ની જમીનમાંથી 64 ગુંઠા જમીન ખરીદવા માટે તેઓએ વ્યવહાર કર્યો હતો. જમીનની કિંમત રૂ. 5.50 લાખ નક્કી કરવામાં આવી હતી અને તેમના પુત્ર ઝેદના નામે વેચાણ દસ્તાવેજ કરવાનો નક્કી થયો હતો.
ફરિયાદ મુજબ, તા. 15 જૂન 2026ના રોજ દસ્તાવેજ માટે સબ-રજિસ્ટ્રાર કચેરી ખાતે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ સર્વર બંધ હોવાથી રજિસ્ટ્રેશન થઈ શક્યું ન હતું. ત્યારબાદ તા. 19 જૂન 2026ના રોજ ફરીથી દસ્તાવેજની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન જમીન વેચાણ આપનાર વ્યક્તિઓ, સાક્ષીઓ અને અન્ય સંબંધિત લોકો હાજર રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદીનો આક્ષેપ છે કે, દસ્તાવેજમાં જમીનના એક માલિક આશિકભાઈ મહેબૂબભાઈ ભટ્ટીનું નામ સામેલ હતું, પરંતુ આશિકભાઈનું તા. 24 જૂન 2019ના રોજ જ અવસાન થઈ ચૂક્યું હતું. તેમ છતાં દસ્તાવેજની પ્રક્રિયા દરમિયાન તેમની જગ્યાએ આરીફભાઈ મહમદભાઈ ભટ્ટી/વણઝારાને ઉભા રાખી ખોટી ઓળખ આપી દસ્તાવેજ કરાવવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદમાં જમીન દલાલ હુસૈનભાઈ અલારખભાઈ વણઝારા તેમજ જમીનના વેચાણ વ્યવહાર સાથે સંકળાયેલા ઇશાકભાઈ મહમદભાઈ વણઝારા, રહીમભાઈ મહમદભાઈ વણઝારા, મોસીનભાઈ મહેબૂબભાઈ ભટ્ટી અને આશિકભાઈની જગ્યાએ ઉભા કરાયેલા આરીફભાઈ સામે કાયદેસરની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
ફરિયાદીનો આક્ષેપ છે કે, આરોપીઓએ અગાઉથી કાવતરું રચી એકબીજાની મદદગારીથી ખોટો દસ્તાવેજ તૈયાર કરાવ્યો અને તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેમની સાથે છેતરપિંડી કરી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી સંબંધિત દસ્તાવેજો અને પુરાવાઓની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરી છે.










