તા.11/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જી નહી… એવું બિલકુલ નથી આવી વાત વાહિયાત છે. જેલ ગેંગસ્ટર્સ બનાવવાની યુનિવર્સિટી નથી પણ ભલભલા ખૂંખાર ગેંગસ્ટર્સને સીધાદોર કરવાની મજબૂત કાળકોટડી છે. ગઈ કાલે સોશ્યલ મીડિયામાં કોઈ તિહાડ જેલમાંથી મુક્ત થયેલા કોઇ ગેંગસ્ટર (કેદી) નું ઈન્ટરવ્યુ હું જોઈ રહ્યો હતો. એને એવું જણાવ્યું કે *”जेल मतलब एक नर्क है गन्दी नाली से विशेष कुछ नहीं है, अंदर जो कैदी है वो गन्दी नाली के कीड़े है ! जेल में गंदकी होती है, जेल में खाना बहुत खराब होता है,जेल में गरीब कैदियों का शोषण होता है एक बात तो उन्होंने भयंकर बताई कि जेल छोटे गुनहगार में से बड़े गैंगस्टर्स बनाने की बड़ी यूनिवर्सिटी है ।* “તો મારે અનુભવે કહેવું છે, જી નહી એવું બિલકુલ નથી ! સરાસર જૂઠ છે. જેલ કોઈ નર્ક નથી જેલમાં ગંદકી બિલકુલ હોતી નથી જેલ કોઈ ગંદી નાલી નથી સ્વચ્છ નદી છે જેલમાં સુંદર બાગ બગીચા જેવું વાતાવરણ હોય છે. પૂરી જેલમાં મહેંદીની વાડ હોય છે. એમાં રહેલા કેદીઓ કોઈ નાલીના કીડા નથી હોતા એ સંપૂર્ણ માણસ હોય છે. જેલમાં શુધ્ધ હવા, પાણી માટે વોટર કૂલરની પણ વ્યવસ્થા હોય છે. ખોરાક પણ ગરમ અને સારો મળે છે, જેલના મેડિકલ ઓફિસર અને સુપ્રિટેન્ડેન્ટ ખુદ બન્ને ટાઇમ જાતે રસોઈ ચેક કરી ટેસ્ટ કરે ત્યાર બાદ બંદીવાનોને પીરસવામાં આવે છે. એકલદોકલ સ્ટાફ પરિવાર પણ જેલ રસોડામાં જમી લેતા હોય છે. રાષ્ટ્રીય પર્વ દિવસે બંદીવાનો માટે મીઠાઈ અને ફરસાણ પણ બને છે. એટલે ખાતરી પૂર્વક કહું છું કે જેલ કોઈ ગુન્હેગાર પેદા કરવાની યુનિવર્સિટી નથી પણ હા કોઇ એકાદ બે કિસ્સામાં વ્યક્તિ મજબૂરી ગરીબી બેકરી કે ખરાબ સોબતના લીધે સામાન્ય ગુન્હે ગારમાંથી ધીરે ધીરે મોટો ગુન્હેગાર બન્યો હોય બન્યો હશે પણ એકાદ બે વ્યક્તિના લીધે એવું ન કહી શકાય કે ગેંગસ્ટર તૈયાર કરતી યુનિવર્સિટી છે. ખરેખર જેલ એક સુધારગૃહ છે, જેમાં વાલિયામાંથી વાલ્મિકી પણ બની શકાય છે કોઈ ગેંગસ્ટર બનતું નથી, જો જેલમાં આવીને દરેક વ્યક્તિ ગેંગસ્ટર બનતા હોત તો ગુજરાતની જેલોમાં રોજ ૫૦૦ થી વધુ કેદીઓની આવક જાવક થતી હોય છે તો રોજ ૫૦૦ ગેંગસ્ટર બની જેલમાંથી બહાર આવતા હોય તો લોકો જીવી જ ના શકે! એટલે સાચું કહું તો જેલ એક તપોભૂમિ છે જ્યાં લોકો પોતાનાથી થયેલ ભૂલનો પસ્તાવો કરી પ્રાયશ્ચિત કરી પવિત્ર પુણ્યશાળી બની બહાર આવે છે. એટલે તો ભગવાન કૃષ્ણ એ જન્મ લેવા માટે કોઈ રાજમહેલના બદલે જેલ પસંદ કરી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ, ઝવેરચંદ મેઘાણી જેવા અનેક મૂર્ધન્ય અને મહાન સાહિત્યકારોએ જ્યાં અદુભુત પુસ્તકો સમાજને ભેટ આપ્યા છે. હા ત્રીસ ટકા પ્રોફેશનલ ક્રિમીનલ જેલમાં હોય છે એમના માટે જ જેલની રચના કરવી પડી છે જે કાયમ જેલમાં આવતા જતા રહે છે જેલની ભાષામાં “ડબલીયા” કહેવાય છે. એવા મુઠીભર કેદીઓને બાદ કરતા જેલમાં સજ્જન લોકો વધુ જોવા મળે છે કે જેઓએ જિંદગીની એક માત્ર પહેલી કે છેલ્લી ભૂલ કરી હોય કે ક્ષણિક આવેગ કે ગુસ્સાના લીધે જેલ યોગ બન્યો હોય છે. આવા સંસ્કારી બંદીવાનો પણ જેલમાં રહેલ બદમાશ ગેંગસ્ટરોને નફરત કરતા હોય છે. જેમનામાં ભારોભાર સત્ય,અહીંસા અને પ્રેમ સાથે કરુણા અને છલોછલ દેશપ્રેમ હોય છે. એકવાર જેલ મુક્ત થયા બાદ ફરી કદી જીવનમાં કોર્ટ કે પોલીસ સ્ટેશનનું પગથિયું ન ચડે કે જેલના રસ્તે ક્દી નીકળવાનું પણ પસંદ નથી કરતા એવા બંદીવાનો પણ હોય છે. એટલું જ નહી જેલ મુક્ત થયા બાદ પોતાના પરિવાર સાથે મહેનત કરી સાચા રસ્તે પૈસા કમાઈને સરસ જિંદગી ગુજારતા હોય એવા ઘણા બંદીવાનોને હું નજીકથી ઓળખું છું. એટલે કહું છું કે જેલ કોઈ ગુન્હેગારો પેદા કરવાની યુનિવર્સિટી બિલકુલ નથી. કોઈ રેર ઓફ ધ રેરર કેસમાં કોઈ વ્યક્તિ ત્રણ પેઢીથી સંપૂર્ણ ક્રિમીનલ ફેમિલીમાં જન્મ્યો હોય અંધારી આલમ સાથે ત્રણ પેઢીનો નાતો હોય એવા મુઠીભર લોકો કદાચ નાના મોટા ગુન્હેગાર તરીકે જ જન્મે છે અને મોટા ગુન્હેગાર બનતા હશે ગુન્હેગાર તરીકે મરે છે, પરંતુ એના માટે જેલતંત્ર બિલકુલ જવાબદાર નથી એમના વારસામાં મળેલ સંસ્કાર અને ખરાબ સોબત જવાબદાર હોય છે.કોઈ અપવાદ રૂપ કિસ્સામાં એવું બન્યું હોય તો અપવાદ ક્યારેય નિયમ ન બની શકે… મારે લોકોને એક સવાલ પૂછવો છે કે જેલમાં એવું શું ખરાબ હોઈ શકે જે બહારની આઝાદ દુનિયામાં. નથી હોતું ? આ તો નાની રંગબેરંગી માછલીઓ બિચારી પોલીસની જાળમાં ફસાઈને પકડાઈ ગઈ છે એટલે એ જેલમાં છે પણ નથી પકડાયા એવા મોટા મગર મચ્છ તો બહાર આઝાદ ઘુમતા હોય છે. બહારની દુનિયામાં શરાબ, સુંદરી, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, રાગ દ્વેષ ઇર્ષા થકી ગોરખધંધા ચાલે છે એવા કોઈ જ દુષ્કૃત્ય જેલમાં ક્યારેય નથી થતા જેલમાં જે જે ગુન્હેગારો આવે છે તે બહારની દુનિયામાં ગેંગસ્ટર બનીને પછી જેલમાં આવે છે એટલે ગુન્હેગારો બનાવવાની યુનિવર્સિટી કે ફેક્ટરી તો બહાર અંધારી આલમ સ્વરૂપે ધમધમે છે. એટલે પુનરોચાર કરું છું કે જેલ કોઈ એવી યુનિવર્સિટી નથી જ્યાં મોટા ગેંગસ્ટર પેદા થાય, જેલ તો સુધારગૃહ એટલે કહી શકાય કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.. તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. જેલ તો હજારો વ્યક્તિઓને પોતાની ભૂલ સુધારી નવેસરથી જિંદગી જીવવાની તક આપે છે. રાષ્ટ્રીય પર્વના દિવસે મીઠાઈ ફરસાણ બને છે જેલની વિઝિટમાં સમયાંતરે કોર્ટના જજ આવતા હોય છે સરકાર અને માનવ અધિકારની પણ વોચ હોય છે અને પ્રસંગોપાત મીડિયા પણ જેલમાં આવતું હોય છે એટલે જેલ તંત્ર સ્વતંત્ર નથી એના ઉપર ડીજી કક્ષાના ઘણા ઉચ્ચ અધિકારીઓની નજર હોય છે.










