વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
વિલંબિત વરસાદની સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા કરાતી ઘાસચારાની મદદ રાહતરૂપ છે રવિભાઇ ગઢવી, પશુપાલક , કોડાય
માંડવી,તા-૧૨ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા માલધારીઓની ઘાસની જરૂરીયાતને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં ઘાસચારા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અત્યારસુધી ૧૭ લાખ કિ.ગ્રાથી વધુ ઘાસ પશુઓ માટે અપાઇ ચુક્યું છે, હજુપણ સતત ઘાસકાર્ડ ઇશ્યુ કરવાની અને માંગણી મુજબ ઘાસચારા વિતરણની કામગીરી સક્રીય રીતે ચાલી રહી છે. જો માંડવી તાલુકાની વાત કરીએ તો, આ અંગે મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવાએ જણાવ્યું હતું કે, માંડવી તાલુકામા તા.૨૩ જુલાઇથી અત્યારસુધી ૪ લાખ કિ.ગ્રાથી વધુ ઘાસનું વિતરણ કરાયું છે. તાલુકામાં ૯૦ ગામને આવરી લેતા ૧૦ ડેપો કાર્યરત છે. તાલુકામાં ૧,૪૦,૦૮૯ પશુધન છે ત્યારે ૫૩૦૦ ઘાસકાર્ડ ઇશ્યુ કરાયા છે,હજુપણ નવી નોંધણી સાથે આવક અને વિતરણની પ્રક્રિયા ચાલી રહી છે.
આ અંગે કોડાય ગામના પશુપાલક રવિભાઇ ગઢવીએ રાજ્ય સરકારનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, ઓછા વરસાદના કારણે ઉભી થયેલી ઘાસચારાની જરૂરીયાતને ધ્યાને લઇને રાજ્ય સરકાર ઘાસનું વિતરણ કરી રહી છે જે અમારા માટે રાહતરૂપ બન્યું છે. બજારમાં જે ઘાસ રૂ.૧૫ થી ૧૬ કિ.ગ્રાના ભાવે મળે છે, તે જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઘાસ સરકાર દ્વારા માત્ર પ્રતિકિલો રૂ.૨ ના ભાવે અમને અપાઇ રહ્યું છે. અગાઉ પ્રથમ રાઉન્ડમાં ઘાસ મળ્યા બાદ આજે બીજા રાઉન્ડમાં ઘાસ લેવા આવ્યો છું આ માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારનો હું આભાર વ્યકત કરું છું. કોડાય ગામના સરપંચ વિરલભાઇ જોશીએ જણાવ્યું હતું કે, કોડાય ગામમાં ડેપો શરૂ કરાયો છે, જેમાં અહીંના ૧૧ ગામોનો સમાવેશ કરાયો છું, બજારમાં પ્રતિકિલો રૂ. ૧૫ થી ૧૬ના ભાવે મળતા ઘાસની સામે ગુજરાત સરકાર માત્ર રૂ. ૨ના ભાવે પશુપાલકોને ઘાસ આપી રહી છે તે માટે હું માલધારીઓ, ખેડૂતો વતી રાજ્ય સરકારનો આભાર વ્યકત કરું છું.








