
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા પવિત્ર ત્રિનેત્રેશ્વર મહાદેવના આંગણે આગામી ૧૪/૦૯/૨૦૨૬ થી તા. ૧૭/૦૯/૨૦૨૬ સુધી ચાર દિવસ માટે વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં સહેલાણીઓ અને શ્રદ્ધાળુઓ આ મેળાનો આનંદ માણવા ઉમટી પડતા હોય છે. ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર પરિસર તથા સમગ્ર મેળા વિસ્તારમાં લાખોની જનમેદની વચ્ચે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી અત્યંત મહત્વની હોય, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા સુરક્ષાના ભાગરૂપે મહત્વપૂર્ણ કાનૂની જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ડ્રોન રૂલ્સ-૨૦૨૧ ના રૂલ નંબર ૨૪ થી મળેલી સત્તાની રૂએ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા તા. ૧૪ સપ્ટેમ્બરથી તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી તરણેતર ગામ, મુખ્ય મેળા વિસ્તાર તેમજ આસપાસના સમગ્ર પરિસરમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી તેને ‘Temporary Red Zone’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સુરક્ષા અને દેખરેખના હેતુસર માત્ર પોલીસ સર્વેલન્સ માટે વપરાતા ડ્રોનને જ આ ક્ષેત્રમાં છૂટછાટ રહેશે. પોલીસના સર્વેલન્સ ડ્રોન સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે મીડિયા પ્રતિનિધિએ ડ્રોન ઉડાવવા માટે ડ્રોન રૂલ્સ-૨૦૨૧ ના રૂલ નંબર ૨૨ હેઠળ પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. પરવાનગી આપવા માટે થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને અધિકૃત કરવામાં આવ્યા છે. ડ્રોન ઉડાડવાની ઈચ્છા ધરાવતા અરજદારે થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી કરી કાયદેસરની મંજૂરી મેળવવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર, અનાદર કરનાર કે કાયદાકીય કામગીરીમાં અવરોધ ઊભો કરનાર ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધી શિક્ષાત્મક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામાની અમલવારી અને કાયદાભંગ કરનારાઓ સામે ફરિયાદ નોંધવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના હેડ કોન્સ્ટેબલથી લઈને નાયબ પોલીસ અધિક્ષક સુધીના તમામ પોલીસ અધિકારીઓને કાયદેસર રીતે અધિકૃત કરવામાં આવ્યા છે. આ હુકમ અંગે સામાન્ય જનતા માહિતગાર થાય અને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં સાથ- સહકાર આપે તે માટે જાહેરનામાની નકલો મેળા વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ શકે તેવી જગ્યાઓએ તથા જાહેર કચેરીઓમાં ચોંટાડવા, લાઉડ સ્પીકર વાળા વાહનો દ્વારા મુનાદી કરાવવા, સ્થાનિક વર્તમાનપત્રો, પ્રેસ નોટ, રેડિયો, ટેલિવિઝન, કેબલ નેટવર્ક તથા રાજ્ય સરકારના ઑફિશિયલ ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા સુરેન્દ્રનગર પોલીસ તંત્ર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તારીખ ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષકની સહી અને કચેરીની મહોર સાથે અધિકૃત રીતે બહાર પાડવામાં આવ્યું છે.










