WAKANER:વાંકાનેર દોઢ વર્ષથી ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી જૂનાપરા જકાતનાકા પાસેથી ઝડપાયો

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા રીઢા આરોપીને વાંકાનેર સિટી પોલીસે બાતમી અને વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પકડાયેલા શખ્સ સામે વાંકાનેર ઉપરાંત જૂનાગઢમાં પણ ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે.

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે અપાયેલી સૂચનાના આધારે, વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી એસ.એમ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પીઆઈ જે.એસ. ગમિત અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન વાંકાનેર-જામનગર રોડ પર આવેલા જૂનાપરા જકાતનાકા પાસે વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. તે વખતે શંકાસ્પદ હાલતમાં હિલચાલ કરી રહેલા એક યુવકને રોકીને પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો.
ઝડપાયેલ આરોપીની ઓળખ ઘનશ્યામભાઈ રાજુભાઈ હળવદિયા ઉંમર: ૩૦ વર્ષ આવાસ ક્વાર્ટર, લીલપર રોડ, મોરબી અગાઉના ગુનાઓની વિગત પોલીસની પ્રાથમિક પૂછપરછ અને રેકોર્ડ તપાસમાં સામે આવ્યું હતું કે, પકડાયેલા ઘનશ્યામ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં બી.એન.એસ.ની કલમ ૩૦૩(૨) અને ૪૫ મુજબ ચોરીનો ગુનો (ગુ.ર.નં. ૦૪૨૩/૨૦૨૫) નોંધાયેલો છે અને તે છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો. આ ઉપરાંત આરોપી વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે.વાંકાનેર સિટી પોલીસે આરોપીની કાયદેસર અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં ચોરીના અન્ય વણઉકેલાયેલા ગુનાઓ પરથી પણ પરદો ઊંચકાય તેવી શક્યતા છે.










