તારીખ ૧૭/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ-ગોધરા હાઇવે પર હિંમતપુરા ગામના પાટિયાથી આગળ હરસિદ્ધિ પેટ્રોલપંપ સામે પૂરઝડપે આવતી પેસેન્જર રીક્ષાના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઈ જતાં ૬ મુસાફરોને ઈજાઓ થઈ હતી.
ફરિયાદી કોકીલાબેન વા/ઓ ઈશ્વરસિંહ સોલંકી (ઉ.વ.૪૮, રહે. રાજપુર, તા. કાલોલ) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તારીખ ૦૭/૧૦/૨૦૨૬ ના રોજ તેઓની દીકરી સુમિત્રાબેનના સસરાનું બેસણું અડાદરા ગામે રાખેલ હોવાથી તેઓ પરિવાર સાથે બેસણામાં જઈ રહ્યા હતા. ત્યારે રાજપુરથી કાલોલ આવીને તેઓ રીક્ષા નંબર જીજે ૦૬ એ.વાય ૧૧૯૦ માં બેસી અડાદરા જઈ રહ્યા હતા. રીક્ષામાં ફરિયાદી કોકીલાબેન આગળની સીટ પર હતા, જ્યારે તેમના જેઠાણી જશીબેન, દીકરી સુમિત્રાબેન, અંબાબેન, શારદાબેન અને કિરણસિંહ છત્રસિંહ સોલંકી પાછળ બેઠા હતા. ત્યારે સવારે સાડા દસ વાગ્યે હિંમતપુરા ગામના પાટિયાથી આગળ હરસિદ્ધિ પેટ્રોલપંપ સામે કાલોલ-ગોધરા હાઇવે પર રીક્ષા ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે રીક્ષા હંકારી સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ફરિયાદી કોકીલાબેનને માથાના જમણા ભાગે અને ડાબા હાથે, તેમની દીકરી સુમિત્રાબેનને કમરના ભાગે, જશીબેનને જમણા હાથે, શારદાબેનને ડાબા હાથે અને ડાબા પગે, જ્યારે કિરણસિંહ અને અંબાબેનને શરીરે સાધારણ ઈજાઓ થઈ હતી. ત્યારે રોડ પર લોકોનું ટોળું એકઠું થઈ જતા કોઈએ 108 ને ફોન કર્યો હતો અને તમામ ઈજાગ્રસ્તોને કાલોલ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. સુમિત્રાબેનને કમરમાં વધુ ઈજા હોવાથી તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ૨૫ દિવસ સુધી દાખલ રહ્યા હતા. અને સાજા થયા બાદ ફરિયાદી કોકીલાબેને રીક્ષા ચાલક સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.











