1 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે પાલનપુર ખાતે ઉત્સાહભેર યોજાઈ ‘રન ફોર યુનિટી’અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ તેમજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાલનપુર મુકામે ભવ્ય ‘રન ફોર યુનિટી’ (એકતા દોડ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકતા દોડ રાજ્યના નાણાં, પોલીસ હાઉસિંગ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી મંત્રી તેમજ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ તથા વન, પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી પ્રવિણભાઈ માળીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે ઉપસ્થિત સર્વે નાગરિકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. આ એકતા દોડ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પ્રસ્થાન થઈ ન્યૂ એ.પી.એમ.સી. સુધી પહોંચી સંપન્ન થઈ હતી. આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” અને “એકતા પરમો ધર્મઃ”ના પાવન આદર્શને આગળ ધપાવતી આ એકતા યાત્રા રાષ્ટ્રભાવનાને વધુ સુદ્રઢ બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત ૨૦૪૭’ના નિર્માણ માટે દેશના ૧૪૦ કરોડ નાગરિકો એક થઈ મા ભારતીને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે સહભાગી બને. ગુજરાતની પાવન ધરતી કેવડિયા ખાતેથી જ્યારે વડાપ્રધાનશ્રી રાષ્ટ્રભાવનાની અપીલ કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ એક થઈને વિકસિત ભારતના નિર્માણ સંકલ્પને સાકાર કરવા આગળ વધીએ. આ એકતા દોડમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વસંતભાઈ પુરોહિત, પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, પાલનપુર નગરપાલિકા પ્રમુખશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેક્ટરશ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ જવાનો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.




















