ગાંભોઈના આડા હાથરોલ ગામે મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

ગાંભોઈના આડા હાથરોલ ગામે મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

ત્રણ માસના પ્રેમસંબંધમાં વિવાદ થતાં પ્રેમીએ જ સાડીથી ગળું દબાવી મહિલાની હત્યા કરી હોવાનો પોલીસનો ખુલાસો

સાબરકાંઠા : ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આડા હાથરોલ ગામની સીમમાં મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવવાના ચકચારી બનાવમાં સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને સફળતા મળી છે. LCB પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી મહિલાના પ્રેમીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આડા હાથરોલ ગામની સીમમાં સાત વળાંકવાળી ગાટીના જંગલની ઝાડીમાંથી હિનાબેન (ઉંમર આશરે ૩૮ વર્ષ, રહે. માંકડી, તા. હિંમતનગર)નો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવને પગલે પોલીસ તંત્ર દોડતું થયું હતું અને હત્યાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતક હિનાબેનને નવી માંકડી ગામના રાજુસિંહ અમરસિંહ પરમાર (ઉંમર ૩૧ વર્ષ) સાથે છેલ્લા ત્રણેક મહિનાથી પ્રેમસંબંધ હતો. આ સંબંધ દરમિયાન બંને વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. પ્રેસનોટમાં જણાવ્યા મુજબ, મહિલા આરોપીને પોતાની સાથે ભાગી જવા તેમજ ઘરે આવીને ફસાવી દેવાની ધમકીઓ આપતી હોવાના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો.

આ દરમિયાન ઉશ્કેરાયેલા રાજુસિંહે હિનાબેનની સાડી વડે જ તેમનું ગળું દબાવી હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.

સમગ્ર બનાવમાં સાબરકાંઠા LCBના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયા તથા તેમની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

આમ, આડા હાથરોલ ગામની સીમમાં મળી આવેલી મહિલાની લાશના ચકચારી બનાવનો ભેદ ઉકેલવામાં સાબરકાંઠા LCBને સફળતા મળી છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો