બોલિવૂડના ‘નંબર વન’ અભિનેતા ગોવિંદા હાલના દિવસોમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ભારે ચર્ચામાં રહે છે. એક તરફ જ્યાં તેમની પત્ની સુનિતા આહુજા સાથેના વૈવાહિક વિવાદો અને પરિવારની અંદરની ખેંચતાણ મીડિયામાં હેડલાઈન્સ બની રહી છે, તો બીજી તરફ તેમના ફેન્સ તેમના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે ગોવિંદાના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગોવિંદા મોટા પડદા પર નહીં પણ રિયાલિટી શો દ્વારા નાના પડદા પર ગ્રાન્ડ કમબેક કરવાની તૈયારીમાં છે.
‘વરાયટી ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, ગોવિંદાને એમએક્સ પ્લેયર/એમેઝોન પ્રાઈમ વિડીયોના લોકપ્રિય રિયાલિટી શો ‘રાઈઝ એન્ડ ફોલ સીઝન 2’ (Rise and Fall Season 2) માટે ઓફર કરવામાં આવી છે. જો બધું યોજના મુજબ રહ્યું તો આ પ્રથમ વખત બનશે જ્યારે ગોવિંદા કોઈ રિયાલિટી શોમાં સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ તરીકે ભાગ લેતા નજરે પડશે. અહેવાલો મુજબ ગોવિંદા પણ આ શોને લઈને ઉત્સાહિત છે અને ડીલ ફાઈનલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
નોંધનીય છે કે ગોવિંદા અગાઉ રિયાલિટી શો ‘જીતો છપ્પર ફાડ કે’ હોસ્ટ કરી ચૂક્યા છે અને અનેક શોમાં ગેસ્ટ તરીકે પણ હાજરી આપી ચૂક્યા છે. જોકે, સ્પર્ધક તરીકે તેઓ પહેલીવાર કોઈ ઓટીટી રિયાલિટી શોમાં જોડાશે.
છેલ્લા કેટલાક સમયથી ગોવિંદા અને તેમની પત્ની સુનિતા વચ્ચે ભારે અણબનાવ ચાલી રહ્યો છે. સુનિતા આહુજાએ ગોવિંદા પર તેમની કો-સ્ટાર કોમલ રાની સ્વર્ણકાર સાથેના અફેરનો આરોપ લગાવ્યો હતો, જેને ગોવિંદાએ સ્પષ્ટપણે ફગાવી દીધો છે.
તાજેતરમાં સુનિતાએ કોર્ટમાંથી પોતાની છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે, પરંતુ પરિવારમાં હજુ પણ તણાવપૂર્ણ સ્થિતિ છે. તાજેતરમાં જ રક્ષાબંધનની ઉજવણીમાં પણ ગોવિંદા ગેરહાજર રહ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે ઓટીટી રિયાલિટી શો દ્વારા ગોવિંદાનું આ કમબેક તેમની કરિયરને નવી ઊંચાઈઓ પર પહોંચાડે છે કે નહીં.









