આણંદ એક અઠવાડિયામાં જિલ્લાની ૩૮ હોસ્ટેલ અને કેન્ટીન ખાતે ખાદ્ય સામગ્રીની સઘન તપાસ હાથ ધરાઈ*

આણંદ એક અઠવાડિયામાં જિલ્લાની ૩૮ હોસ્ટેલ અને કેન્ટીન ખાતે ખાદ્ય સામગ્રીની સઘન તપાસ હાથ ધરાઈ

 

તાહિર મેમણ – આણંદ – 25/09/2026 – આણંદ જિલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સલામત, સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તેવા શુભ હેતુથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, આણંદ દ્વારા જિલ્લાની વિવિધ હોસ્ટેલ તથા કેન્ટીનમાં સઘન તપાસ માટે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જિલ્લાની કુલ ૩૮ હોસ્ટેલ અને કેન્ટીનનું આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

 

તપાસની આ ડ્રાઇવ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા, હાઇજિનના ધોરણો, ફૂડ સેફ્ટી કાયદા સંબંધિત જોગવાઈઓનું પાલન તેમજ જરૂરી લાયસન્સ અને રજિસ્ટ્રેશન સહિતની બાબતોની સઘન ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા કુલ ૧૩ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કરી પરીક્ષણ અર્થે સરકાર માન્ય લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીમાંથી પરીક્ષણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ પરિણામ અનુસાર FSSAI અધિનિયમ તથા લાગુ પડતા નિયમો મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

તપાસ દરમિયાન પ્રાથમિક ક્ષતિઓ અને ખામીઓ જણાઈ આવતા કુલ ૧૧ હોસ્ટેલ અને કેન્ટીનને સુધારા નોટીસ (Improvement Notice) આપવામાં આવી છે. જેમાં અમૃત મેસ- બાકા કોલેજ UG/PG ડાઇનિંગ હોલ, એમ.વી.પટેલ ગર્લ્સ હોસ્ટેલ-આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, સિદ્ધિ વિનાયક ગર્લ્સ હોસ્ટેલ- વિદ્યાનગર, શર્મા કેટરર્સ, PG મેસ-મહાવિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલ ક્લબ કેન્ટીન, ગર્લ્સ ડાઇનિંગ હોલ-આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, વિદ્યાડેરી સ્ટુડન્ટ હોસ્ટેલ, અન્નપૂર્ણા કેન્ટીન-હોમિયોપેથીક મેડિકલ કોલેજ, હોર્ટીકલ્ચર બોય હોસ્ટેલ-આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, હરિ સૌરભ હોસ્ટેલ-વિદ્યાનગર અને શ્રી મારુતિ કેન્ટીન/શ્રી હોસ્ટેલ-ચારુસેટ મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે.

 

તમામ સંબંધિત સંચાલકોને નિયત સમયમર્યાદામાં દર્શાવેલ ખામીઓ દૂર કરી તેનો સંતોષકારક જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. જો નિયત સમયમર્યાદામાં નોટીસનું પાલન અથવા સંતોષકારક જવાબ રજૂ કરવામાં નહીં આવે, તો લાયસન્સ/રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવા અથવા રદબાતલ કરવા સહિતની સખત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ અને નાગરિકોના સ્વાસ્થ્ય હિતમાં સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે આવી તપાસ ઝુંબેશ આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે તેમ આણંદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો