વઘઈ તાલુકા પંચાયતમાં મનરેગા મજૂરોના મહેનતાણાંની ચુકવણી અટકતાં રોષ

વાત્સલ્યમ સમાચાર

 મદન વૈષ્ણવ

વઘઈ તાલુકા પંચાયત દ્વારા રકમ ‘અમૂલ્ય એસોસિએટ’ના ખાતામાં જમા કરાવ્યાનો દાવો; મજૂરોને પેમેન્ટ ન મળતાં પરિવારો આર્થિક સંકટમાં

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ કામ કરી ચૂકેલા ગરીબ અને આદિવાસી મજૂરોને મહેનતાણાંની ચુકવણી સમયસર ન મળતાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી સ્તરેથી મજૂરીની રકમ ‘અમૂલ્ય એસોસિએટ’ નામની એજન્સીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હોવા છતાં મજૂરો સુધી ચુકવણી ન પહોંચ્યાની રજૂઆત સામે આવતાં સમગ્ર મામલે સવાલો ઊભા થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વઘઈ તાલુકા પંચાયત દ્વારા મનરેગા યોજના અંતર્ગત કામ કરનારા શ્રમિકોના મહેનતાણાંની રકમ સંબંધિત એજન્સીના ખાતામાં જમા કરાવવામાં આવી છે. જોકે, આ રકમ જમા થયા બાદ પણ મજૂરોને તેમના હકનું મહેનતાણું સમયસર ન મળતાં શ્રમિકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મામલે એજન્સી દ્વારા ચુકવણીમાં વિલંબ થવાના કારણો અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવવાની બાકી છે.

મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો માટે મહેનતાણું જ આવકનો મુખ્ય આધાર છે. આવા સંજોગોમાં ચુકવણી અટવાતાં પરિવારના ભરણપોષણ, બાળકોના શિક્ષણ, અનાજ-કરિયાણા સહિતના દૈનિક ખર્ચને પહોંચી વળવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. પોતાના પરસેવાની કમાણી મેળવવા માટે મજૂરોને વારંવાર તાલુકા પંચાયત અને સંબંધિત એજન્સીનો સંપર્ક કરવો પડતો હોવાની પણ ચર્ચા છે.

તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

આ સમગ્ર મામલે મનરેગા હેઠળ કામ કરનારા શ્રમિકોને વહેલી તકે તેમનું બાકી મહેનતાણું મળે તે માટે સંબંધિત તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માંગ ઊઠી છે. સાથે જ, ‘અમૂલ્ય એસોસિએટ’ના ખાતામાં જમા થયેલી રકમની વિગતો, ચુકવણીમાં થયેલા વિલંબનાં કારણો અને મજૂરોને ચૂકવવાની બાકી રકમ અંગે તપાસ કરવાની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે.

હવે જોવાનું એ રહ્યું કે વઘઈ તાલુકા પંચાયત અને સંબંધિત અધિકારીઓ આ મામલે કેવાં પગલાં ભરે છે અને ગરીબ આદિવાસી મજૂરોને તેમનું બાકી મહેનતાણું ક્યારે મળે છે. મજૂરોના હિતમાં તાત્કાલિક નિર્ણય લઈ ચુકવણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની રહી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો