તારીખ ૨૨/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર તથા આસપાસના તાલુકા વિસ્તારોમાં ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ની મોબાઇલ નેટવર્ક સેવા સંપૂર્ણપણે કથળી જતાં ગ્રાહકોમાં તીવ્ર અસંતોષ વ્યાપી ગયો છે. ખાસ કરીને કાલોલ સ્ટેશન રોડ પર આવેલી વિવિધ રહેણાંક સોસાયટીઓમાં છેલ્લા છ મહિનાથી BSNLનું નેટવર્ક વારંવાર ખોરવાઈ જવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં BSNLના નેટવર્ક સિગ્નલ યોગ્ય રીતે મળતા નથી, જેના કારણે મહત્વના ફોનકોલ ડ્રોપ થઈ જાય છે અથવા કનેક્ટ જ થતા નથી. આ ઉપરાંત મોબાઇલ ઇન્ટરનેટની સ્પીડ પણ અત્યંત ધીમી રહે છે અથવા સેવા સાવ બંધ થઈ જાય છે. ડિજિટલ યુગમાં મહત્વના ઓનલાઇન કામકાજ, બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને રોજીંદા ફોનકોલ માટે BSNL પર નિર્ભર ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.નેટવર્કની આ કાયમી સમસ્યાથી કંટાળીને અનેક ગ્રાહકોએ આખરે BSNL માંથી અન્ય ખાનગી ટેલિકોમ કંપનીઓના નેટવર્ક તરફ સ્થળાંતર (પોર્ટ) કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, નેટવર્કની કથળેલી સ્થિતિ અંગે સંબંધિત તંત્ર અને અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.લાંબા સમયથી ચાલતી આ સમસ્યાને ધ્યાને લઈ, BSNL તંત્ર દ્વારા કાલોલ શહેર અને સ્ટેશન રોડ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવે, ખામીઓ શોધીને નેટવર્ક સુધારી સુચારુ સેવાઓ પુનઃ શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક ગ્રાહકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.










