MORBI:મોરબીમાં શેરબજારમાં રોકાણના નામે રૂ. 86.25 લાખની સાયબર ઠગાઈ: શરૂઆતમાં નફો આપી યુવકને જાળમાં ફસાવ્યો
મોરબી:શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને લોકો સાથે ઠગાઈ કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે મોરબીમાં એક યુવક સાયબર ઠગોની જાળમાં ફસાતાં રૂ. 86.25 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. સાયબર ક્રાઈમ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ રીતે આચરવામાં આવી ઠગાઈ:વિશ્વાસ કેળવ્યો: આરોપીઓએ પોતાની ઓળખ ‘માધવભાઈ શેઠ’ના એજન્ટ તરીકે આપી ફરિયાદીના પુત્ર પલ્લવનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં નાનું રોકાણ કરાવી રૂ. 9,400નો નફો પરત આપી યુવકનો વિશ્વાસ જીત્યો હતો.
બેંક ટ્રાન્ઝેક્શન અને આંગડિયાનો ઉપયોગ: વિશ્વાસમાં આવ્યા બાદ ઠગોએ અલગ-અલગ UPI અને બેંક ટ્રાન્સફર દ્વારા રૂ. 4.87 લાખ મેળવ્યા હતા. ત્યારબાદ હિંમતનગરની પી.એમ. આંગડિયા પેઢી મારફતે રૂ. 81.48 લાખ પડાવી લીધા હતા.કુલ રકમ: ઠગોએ ટુકડે-ટુકડે કુલ રૂ. 86,25,950ની ઠગાઈ આચરી હતી.ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ:ઉમા ટાઉનશિપમાં રહેતા વેપારી ભરતભાઈ ખિમજીભાઈ વરમોરા (ઉ.વ. 45)એ આ મામલે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં રોહનકુમાર, લલિતભાઈ બ્રોકર, સાગર પટેલ અને નચીકેભાઈ બળદેવભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જનજાગૃતિ માટે ચેતવણી:સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. શેરબજારમાં ઝડપી અને અતિશય નફો રળી આપવાની લાલચ આપતી અજાણી વ્યક્તિઓ કે બિનઅધિકૃત સ્કીમોથી સાવધ રહેવા પોલીસે અપીલ કરી છે.










