TANKARA:ટંકારાના જૂના વિરપર ગામે ૭ દિવસીય ગણેશોત્સવની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ: વાજતે-ગાજતે બાપ્પાનું વિસર્જન


ટંકારા – સમગ્ર રાજ્ય સાથે ટંકારા પંથકમાં પણ ગણેશોત્સવની ભારે ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે ટંકારા તાલુકાના જૂના વિરપર ગામે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે અનોખો ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. ગામના યુવા અગ્રણી સાવનભાઈ મુદડીયા દ્વારા પોતાના નિવાસસ્થાને દુંદાળા દેવ વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાની વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર સ્થાપના કરવામાં આવી હતી.

સાવનભાઈ મુદડીયા તથા સમગ્ર મુદડીયા પરિવાર દ્વારા સતત ૭ દિવસ સુધી સંપૂર્ણ શ્રદ્ધા, સમર્પણ અને ભાવપૂર્વક ગણેશજીની સેવા-આરાધના કરવામાં આવી હતી. બાપ્પાના દરબારને આકર્ષક રોશની અને ફૂલોના શણગારથી સુશોભિત કરવામાં આવ્યો હતો. આ સાત દિવસ દરમિયાન દરરોજ સવાર-સાંજ ભાવિકોની ઉપસ્થિતિમાં દિવ્ય મહાઆરતી, થાળ, ગણેશ અથર્વશીર્ષ પાઠ અને ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી બાદ ઉપસ્થિત સૌ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવતું હતું, જેના દર્શન અને લાભ અર્થે આજુબાજુના લત્તાવાસીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

સાત દિવસના અવિસ્મરણીય અને ભાવભર્યા આતિથ્ય બાદ અંતિમ દિવસે બાપ્પાની વિદાય વેળાએ મુદડીયા પરિવાર સહિત સમગ્ર માહોલ ભાવુક બન્યો હતો. વિસર્જન પૂર્વે ગણેશજીની આખરી પૂજા-અર્ચના અને મહાઆરતી સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ અબીલ-ગુલાલની છોળો વચ્ચે “ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યા” ના ગગનભેદી નારા અને ભવ્ય વિસર્જન યાત્રા પ્રસ્થાન થઈ હતી.

શોભાયાત્રામાં યુવાનો, વડીલો અને મહિલાઓ ઉત્સાહભેર ગણેશ ભક્તિના રંગે રંગાઈને ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને વિસર્જન યાત્રા નિર્ધારિત જળાશય પહોંચી હતી, જ્યાં પરિવારજનો, સ્નેહીઓ, મિત્રો ઉપસ્થિતિમાં વિઘ્નહર્તા દેવને ભાવભીની વિદાય આપી પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. મુદડીયા પરિવારે સૌના કલ્યાણ અને સુખ-શાંતિ માટે બાપ્પા સમક્ષ પ્રાર્થના કરી ઉત્સવનું સફળ સમાપન કર્યું હતું.











