વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ 
નવનિર્મિત હોસ્પિટલથી બાળકો અને માતાઓ સહિત વિસ્તારના નાગરિકોને સ્થાનિક સ્તરે વધુ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવસારી જિલ્લાના ચીખલી ખાતે રૂ.૪૬.૫૩ કરોડના ખર્ચે નિર્મિત ૧૦૦ બેડની અદ્યતન સુવિધાસભર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ, રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે રીબીન કાપી નવનિર્મિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને પ્રજાજનો માટે ખુલ્લી મૂકી હતી.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રીએએ જણાવ્યું હતું કે, અદ્યતન સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલના કારણે ચીખલી અને આસપાસના વિસ્તારોના નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓનો વધુ સારો લાભ મળશે. દર્દીઓને સંતોષકારક સારવાર મળે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફરે તે આરોગ્ય સેવાઓનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. તેમણે આરોગ્ય વિભાગની ટીમને હોસ્પિટલની સુવિધાઓ તથા આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ અવસરે મંત્રીશ્રી પાટીલે ચીખલી તાલુકામાં થયેલા વિવિધ વિકાસકાર્યોનો ઉલ્લેખ કરતાં પહોળા રસ્તા, બ્લોક પેવિંગ સહિતના વિકાસ કામો તેમજ સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણની પ્રશંસા કરી હતી. નવસારી જિલ્લો વિવિધ વિકાસલક્ષી કામગીરીમાં અગ્રેસર રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સામાન્ય અને જરૂરિયાતમંદ નાગરિકોના આરોગ્યની ચિંતા સાથે આરોગ્ય ક્ષેત્રે સતત નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આદિજાતિ વિકાસ વિભાગના મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ચીખલીની વર્ષો જૂની રેફરલ હોસ્પિટલ દ્વારા અનેક લોકોને આરોગ્ય સેવાઓ આપવામાં આવી છે. હવે નવનિર્મિત અને આધુનિક સુવિધાઓથી સજ્જ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી આ વિસ્તારના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે. ખાસ કરીને બાળકો અને માતાઓને સમયસર સારવાર મળી રહે અને તેઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફરે તે દિશામાં આ હોસ્પિટલ મહત્વપૂર્ણ સાબિત થશે.
તેમણે ચિરંજીવી યોજના સહિતની વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓને જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. સરકારી હોસ્પિટલોના માધ્યમથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને ગુણવત્તાસભર સારવારનો લાભ મળી રહે છે તેમ તેમણે જણાવ્યું હતું.
નવનિર્મિત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ૧૦૦ બેડની ક્ષમતા સાથે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હોસ્પિટલ શરૂ થવાથી ચીખલી તાલુકા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સારવાર માટે દૂરના સ્થળે જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે અને સ્થાનિક સ્તરે વધુ સુવિધાસભર આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રૂ.૪૬.૫૩ કરોડના ખર્ચે નિર્મિત આ અતિ આધુનિક ૧૦૦ બેડની હોસ્પિટલથી ચીખલી અને આસપાસના વિસ્તારોના નાગરિકોને વધુ સુવિધાસભર આરોગ્ય સેવાઓ મળી રહેશે. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ સાથે આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને તેમણે બિરદાવી હતી.
તેમણે કોરોના મહામારીના કપરા સમયમાં આરોગ્ય વિભાગની ટીમે રાત-દિવસ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરી આરોગ્ય કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આરોગ્ય ક્ષેત્રે રાજ્યમાં વિવિધ માળખાકીય અને સેવાકીય સુવિધાઓના વિકાસ સાથે નાગરિકોને સમયસર અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. દીકરીઓના રસીકરણ સહિતની વિવિધ આરોગ્યલક્ષી કામગીરીની વિગતો પણ તેમણે આપી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીઓ તથા મહાનુભાવોના હસ્તે હોસ્પિટલની નર્સિંગ બહેનો, પી.આઈ.ઓ., સફાઈ કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટરનું સન્માન કરવામાં આવ્યું હતું. આરોગ્ય સેવાઓમાં યોગદાન આપનાર કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
ચીખલી તાલુકા તેમજ આસપાસના ગામડાઓની અંદાજે ૩ થી ૫ લાખની વસ્તીને આ હોસ્પિટલની આધુનિક આરોગ્ય સેવાઓનો સીધો લાભ મળશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડૉ. માલતીબેન સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ, હોસ્પિટલ સ્ટાફ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
*સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ચીખલીની મુખ્ય સુવિધાઓ*
આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ભૂકંપ પ્રતિરોધક બહુમાળી આધુનિક ઈમારતનું નિર્માણ કરવામાં આવ્યંા છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે આધુનિક તબીબી સુવિધાઓ સાથે સુવ્યવસ્થિત માળખું ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
હોસ્પિટલની બેડ ક્ષમતા: ૧૦૦ બેડની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ.
નિવાસી તબીબી અધિકારી,
*સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની સેવાઓ:*
હોસ્પિટલમાં વિવિધ નિષ્ણાત તબીબોની સેવાઓ ઉપલબ્ધ રહેશે, જેમાં
મેડિસિન, ગાયનેકોલોજી, ઓર્થોપેડિક, જનરલ સર્જરી, પીડિયાટ્રિક્સ, એનેસ્થેશિયા, ઓપ્થેલ્મોલોજી, સાયકિયાટ્રી
પેથોલોજી, રેડિયોલોજી વગેરે વિભાગોનો સમાવેશ થાય છે.
*સેન્ટ્રલાઈઝ્ડ આધુનિક સુવિધાઓ:*
સેન્ટ્રલ મેડિકલ ઓક્સિજન સપ્લાય લાઇન, સેન્ટ્રલાઈઝ્ડ એર-કન્ડિશન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ
આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર, દર્દીઓ માટે આધુનિક અને સુવિધાયુક્ત સારવાર વ્યવસ્થા
ચીખલી તાલુકા તેમજ આસપાસના ગામડાઓની અંદાજે ૩ થી ૫ લાખની વસ્તીને આ હોસ્પિટલની આધુનિક આરોગ્ય સેવાઓનો સીધો લાભ મળશે.
આ હોસ્પિટલના કારણે ચીખલી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સ્થાનિક સ્તરે જ ગુણવત્તાયુક્ત અને નિષ્ણાત તબીબી સારવારની સુવિધા ઉપલબ્ધ બનશે.









