ધાર્મિક ઉત્સવને સેવાકાર્ય સાથે જોડીને દાનવીરોએ સમાજને આપ્યો પ્રેરણાદાયક સંદેશ


વાંસદા, વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાંસદા તાલુકાના વઢવાણીકુંડિયા ગામે શરદ પૂર્ણિમાના પાવન અવસરે ધાર્મિક આસ્થા અને સેવાભાવના અનોખા સંગમ સમાન ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ધાર્મિક ઉત્સવની સાથે સમાજસેવા અને દાનની ભાવનાને પ્રાધાન્ય આપીને સેવાભાવી દાનવીરોએ સૌના હૃદયમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું.
શરદ પૂર્ણિમાના પવિત્ર પર્વ નિમિત્તે વોર્ડ સભ્ય હસમુખલાલ શર્મા તરફથી ૫૧ લીટર દૂધ-પૌંઆના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસાદનો લાભ ઉપસ્થિત ગ્રામજનોએ લીધો હતો. ધાર્મિક પ્રસંગે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલી આ સેવા ગામમાં એકતા, સહકાર અને પરસ્પર સ્નેહની ભાવનાને વધુ મજબૂત બનાવનારી બની હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શંકરભાઈ પવાર, દીપકભાઈ, જગનભાઈ, નવસુભાઈ, સુનીલભાઈ, દિવ્યેશભાઈ તેમજ આશાંતાબેન, ઉષાબેન અને સંગીતાબેન સહિતના સેવાભાવી નાગરિકોએ સહયોગ આપ્યો હતો. સૌના સહિયારા પ્રયાસોથી ધાર્મિક કાર્યક્રમ આનંદમય અને યાદગાર બન્યો હતો.
શરદ પૂર્ણિમાની પરંપરા મુજબ ભાઈઓ અને બહેનો માતાજીના ગરબા રમે છે. તે દિવસે સાંજે દૂધ ઉકાળી તેમાં પૌંઆ નાખવામાં આવે છે. ત્યારબાદ આ દૂધ-પૌંઆને એવી રીતે રાખવામાં આવે છે કે ચંદ્રમાની ચાંદની સીધી તેના પર પડે. માતાજીના ગરબા પૂર્ણ થયા બાદ તમામ ભાવિક ભક્તો આ પ્રસાદ આરોગીને ધન્યતા અનુભવે છે.
દાન એ માત્ર વસ્તુનું અર્પણ નથી, પરંતુ માનવતા અને શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. ધાર્મિક ઉત્સવોમાં પ્રસાદનું વિતરણ, જરૂરિયાતમંદોની સહાય અને સામૂહિક સેવા જેવા કાર્યો સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે. આવા દાનવીરોની સેવાભાવના અન્ય લોકોને પણ સમાજહિતનાં કાર્યો કરવા પ્રેરણા આપે છે.
વઢવાણીકુંડિયા ગામમાં યોજાયેલો આ કાર્યક્રમ ધાર્મિક પરંપરાની જાળવણી સાથે સમાજમાં એકતા, ભાઈચારો અને સેવાભાવને પ્રોત્સાહન આપતો પ્રેરણાદાયક પ્રસંગ બની રહ્યો હતો.









