27 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ભીલડી ખાતેથી વડાપ્રધાનશ્રી બનાસ ડેરીના અત્યાધુનિક બોવાઇન બ્રીડિંગ સેન્ટરના લોકાર્પણ સહિત બનાસ ડેરીના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની આપશે સોગાદ.વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને લઈને જીલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૦મી ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આવેલા ભીલડી ખાતે પધારનાર છે. વડાપ્રધાનશ્રીના આ કાર્યક્રમના સુચારુ આયોજન અને તૈયારીઓના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાનશ્રીના આગમન, સુરક્ષા વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળનું સંચાલન અને જનમેદનીની સુવિધા સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી સીધા બનાસકાંઠાના ભીલડી ખાતે પહોંચશે અને બનાસકાંઠાની ધરા પરથી દેશભરના કરોડો અન્નદાતાઓ માટે ‘પી.એમ. કિસાન સન્માન નિધિ’ યોજનાનો ૨૪મો હપ્તો ડિજિટલી સીધો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવીને મોટી ભેટ આપશે. આ ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાનશ્રી વિશાળ જનમેદનીને સંબોધિત કરશે તેમજ બનાસકાંઠાની જીવાદોરી સમાન શ્વેતક્રાંતિની અગ્રેસર મહિલા દૂધ ઉત્પાદકો, પ્રગતિશીલ ખેડૂતો અને યુવાનો સાથે સીધો સંવાદ સાધીને તેમની સફળતા અને અનુભવો વિશે ચર્ચા કરશે.આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીના વરદ્ હસ્તે બનાસ ડેરીના મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે. જેમાં મુખ્યત્વે ભીલડી ખાતે ૧૨૭ એકર વિસ્તારમાં ₹૩૨૫ કરોડના ખર્ચે નવનિર્મિત ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ કેન્દ્ર OPU-IVF અને ભ્રૂણ પ્રત્યારોપણ જેવી આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓથી સજ્જ છે, જે વાર્ષિક ૨૫,૦૦૦ ભ્રૂણ ઉત્પાદનના લક્ષ્ય સાથે દેશી પશુઓની ઓલાદ સુધારણા અને ઉત્પાદકતા વધારવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ ઉપરાંત બનાસ ડેરીના પાલનપુર સંકુલ ખાતે અત્યાધુનિક ‘ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રિટ્રીવલ સિસ્ટમ’ (ASRS) તથા સણાદર સ્થિત બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટના ક્ષમતા વિસ્તરણ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે. સાથોસાથ ગ્રીન એનર્જીને વેગ આપવા માટે રાધનપુર અને થરાદ ખાતે પશુઓના છાણ આધારિત બનાસ બાયો-CNG પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.આ પ્રસંગે અધિકારીઓને માર્ગદર્શન આપતાં કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સમગ્ર વહીવટી તંત્ર પરસ્પર ઉત્કૃષ્ટ સંકલન સાધીને સંપૂર્ણ સજ્જતા સાથે કામગીરી સુનિશ્ચિત કરે. તેમણે કાર્યક્રમ સ્થળે કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન, પીવાના પાણી, આરોગ્ય અને ઈમરજન્સી સેવાઓ, પાર્કિંગ તેમજ ફાયર સેફ્ટી જેવી મૂળભૂત સુવિધાઓમાં લેશમાત્ર ક્ષતિ ન રહે તે દિશામાં આયોજન કરવા સંબંધિત વિભાગોને તાકીદ કરી હતી. તેમણે દૂધ ઉત્પાદકો, ખેડૂતો અને નાગરિકોને કાર્યક્રમ સ્થળે પહોંચવામાં કે પરત ફરવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે પ્રોટોકોલ મુજબની સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં આવે અને સમયપાલનનું ચુસ્તપણે પાલન થાય.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બે, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.પી. પટેલ સહિત જિલ્લાના તમામ સંબંધિત ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.















