અંત્રોલી ગામના તળાવ કાંઠે ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષ સાથે ભક્તિમય માહોલમાં બાપાને ભાવભીની વિદાય

કામરેજ: સુરત જિલ્લા કામરેજ તાલુકાના અંત્રોલી-થારોલી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગણપતિ વિસર્જનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અંત્રોલી ગામના તળાવ કાંઠે આયોજિત વિસર્જન કાર્યક્રમમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ જયેશભાઈ બી. સોલંકી તથા ડેપ્યુટી સરપંચ શ્રીમતી વહીદાબીબી જાકીર હુસેન શેખના માર્ગદર્શન હેઠળ ગણપતિ વિસર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો તથા ગણેશભક્તો દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગણપતિ બાપાની પ્રતિમાને વિદાય આપવામાં આવી હતી.
વિસર્જન પ્રસંગે તળાવ કાંઠે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તોએ ગણપતિ બાપાના દર્શન કરી પરિવાર અને ગામમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.
ધાર્મિક વિધિ અને પૂજન બાદ ગણપતિ બાપાની પ્રતિમાનું વિધિવત્ વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવના અંતિમ દિવસે ભાવુક માહોલ વચ્ચે ભક્તોએ બાપાને ભાવભીની વિદાય આપી હતી.
સમગ્ર વિસર્જન કાર્યક્રમ દરમિયાન ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિભાવ અને ઉત્સાહ સાથે યોજાયેલા આ ગણપતિ વિસર્જન કાર્યક્રમથી અંત્રોલી ગામમાં ધાર્મિક માહોલ છવાયો હતો.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત











