
સમીર પટેલ, ભરૂચ

દીકરીના સગપણ પ્રસંગે બહારગામ ગયેલા દંપતીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વર GIDC વિસ્તારમાં દિનદહાડે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખો રૂપિયાની ચોરીને અંજામ આપતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અંકલેશ્વર GIDCના માનવ મંદિર સ્થિત અંજની હાઈટ્સમાં રહેતું એક દંપતી પોતાની દીકરીના સગપણના પ્રસંગે ઘર બંધ કરી બહારગામ ગયું હતું. આ દરમિયાન ઘરમાં કોઈ હાજર ન હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી અંદરથી આશરે રૂ. 5 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દંપતી પરત ફર્યા બાદ ઘરમાં ચોરી થઈ હોવાનું સામે આવતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં અંકલેશ્વર GIDC પોલીસ દ્વારા ચોરી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા તેમજ ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
દિનદહાડે રહેણાક વિસ્તારમાં બંધ મકાનમાં થયેલી લાખોની ચોરીને પગલે સ્થાનિક રહીશોમાં સુરક્ષાને લઈને ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે.










