વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાસકાંઠા ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તા અંતર્ગત કચ્છના ૧.૧૯ લાખ ખેડૂત કુટુંબોના ખાતામાં રૂ. ૨૩.૯૧ કરોડની સહાયનું વિતરણ.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ ની ઉજવણી અન્વયે કચ્છમાં ૭૫ સ્થળોએ કરાયું વિશેષ આયોજન
સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કોટડા(ઉગમણા) ખાતે યોજાયો પીએમ કિસાન ઉત્સવ દિવસ.
ભુજ,તા-૩૦ ઓક્ટોબર : શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને અને સાંસદ વિનોદભાઈ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં કચ્છનો જિલ્લાકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ ગોકુલધામ સમાજવાડી,કોટડા ઉગમણા ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૪મા હપ્તાનું વિતરણ ખેડૂતોના બેંક ખાતામાં જમા કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, કચ્છનો સર્વાંગી વિકાસનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. રાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, એક સમયે કચ્છ જિલ્લો એ દુષ્કાળનો જિલ્લો ગણાતો હતો. ભૂકંપ બાદ સરકારના પ્રયાસોથી કચ્છ જિલ્લાની કાયાપલટ થઈ છે. આજે કચ્છ જિલ્લો સમગ્ર ભારતભરના અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. કચ્છ જિલ્લામાં ઉદ્યોગો આવવા માટે તત્પર છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતો સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યા છે.રાજ્યમંત્રીએ ખેડૂતોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, સરકારની દરેક કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ. બાળકોને શિક્ષણ અપાવીને સક્ષમ બનાવવા માટે રાજ્યમંત્રીએ વાલીઓને અનુરોધ કર્યો હતો. બનાસકાંઠા ખાતેથી વડાપ્રધાન દ્વારા લોકાર્પણ અને ખાતમૂહુર્ત થનારા પ્રોજેક્ટ અંગે રાજ્યમંત્રીએ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.
કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના થકી અનેક ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. ખેતીના સાધનો સહિત જરૂરી સામગ્રીની ખરીદી માટે આ યોજના આર્શીવાદરૂપ બની છે. સાંસદએ કચ્છના વિકાસનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિષ્ઠાવાન પ્રયાસોના લીધે આજે કચ્છ વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર બન્યું છે. અનેક આપદાઓમાં રહેલા કચ્છને બેઠું કરીને વડાપ્રધાનએ કચ્છની કાયાપલટ કરી છે. વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વના લીધે કચ્છ આજે અગ્રેસર જિલ્લો બન્યો છે. ઉદ્યોગો, કૃષિ વિકાસ અને સરહદી ડેરીની સ્થાપનાથી કચ્છમાં આવેલા આમૂલ પરિવર્તન અંગે સાંસદએ જાણકારી આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા શાબ્દિક પ્રવચન કરીને રાજ્યમંત્રી, સાંસદ સહિત મહાનુભાવો અને ખેડૂતોને આવકાર્યા હતા.કિરણસિંહે જણાવ્યું હતું કે,આજે વહીવટી તંત્ર દ્વારા કચ્છમાં ૭૫ સ્થળોએ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.વડાપ્રધાન દ્વારા ભીલડી બનાસકાંઠા ખાતેથી વર્ચ્યુઅલી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તા પેટે દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત કુટુંબોને સીધા તેમના બેંક ખાતામાં ₹ ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય જમા કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત કુટુંબોને ₹ ૧૦૫૧ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો, જિલ્લાના ૧.૧૯ લાખથી વધુ ખેડૂત કુટુંબોને ₹ ૨૩.૯૧ કરોડથી વધુની આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી સહિત મહાનુભાવોએ બાગાયત, પશુપાલન,મિશન મંગલમ સખી મંડળો અને કૃષિ આધારિત યોજનાકીય સ્ટોલની મુલાકાત લીધી હતી.ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે આશયથી કાર્યક્રમમાં જીવામૃત બનાવવા માટે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકોને રાજ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશભાઈ ચાવડા,અગ્રણી દેવજીભાઈ વરચંદ, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોલ, એપીએમસીના ડીરેક્ટર શંભુભાઈ જરૂ, કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખ,જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ગામના સરપંચઓ, વહીવટીતંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.












