MORBI:મોરબી રોજગાર કચેરીની ડિજિટલ પહેલ ફળી: યોગ્ય માર્ગદર્શન અને સોશિયલ મીડિયાના સેતુથી લક્ષ્મણભાઈ દાફડાને મળી નોકરી

ચાઈલ્ડ હેલ્પલાઇન–૧૦૯૮માં કાઉન્સેલર તરીકે પસંદગી પામી યુવાને પરિવારને આપી આર્થિક મજબૂતી
વોટ્સએપ ગ્રૂપના માધ્યમથી મળેલી સચોટ માહિતી લાંબા સમયના સંઘર્ષ બાદ બની આશાનું કિરણ

મોરબી:રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા યુવાનોને સમયસર અને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના પ્રયાસો હવે પરિણામલક્ષી સાબિત થઈ રહ્યા છે. રોજગાર કચેરીઓ માત્ર નામ નોંધણી પૂરતી સીમિત ન રહેતાં, આધુનિક ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી યુવાનો સુધી રોજગારલક્ષી તકો પહોંચાડી રહી છે. આ જ પારદર્શક અભિગમના ભાગરૂપે મોરબીના લક્ષ્મણભાઈ દાફડાને મનપસંદ ક્ષેત્રમાં આઉટસોર્સ રોજગારી મળતાં તેમનો પરિવાર આત્મનિર્ભર બન્યો છે.
મોરબીના વતની લક્ષ્મણભાઈ દાફડાએ બીએસડબલ્યુ (BSW) ની પદવી મેળવ્યા બાદ લાંબા સમય સુધી રોજગારી મેળવવા માટે સંઘર્ષ કર્યો હતો. અનેક ખાનગી કંપનીઓમાં ઇન્ટરવ્યુ આપવા છતાં યોગ્ય તક ન મળતાં તેઓ આર્થિક ભીંસ અને ચિંતામાં મુકાયા હતા.
આવા કપરા સમયમાં મોરબી જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંચાલિત વોટ્સએપ ગ્રૂપ તેમના માટે આશાનું કિરણ બન્યું હતું. આ ગ્રૂપ દ્વારા તેમને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી હસ્તકની ‘ચાઈલ્ડ હેલ્પલાઇન – ૧૦૯૮’ માં આઉટસોર્સિંગ પદ્ધતિથી કાઉન્સેલરની ખાલી પડેલી જગ્યા અંગેની માહિતી મળી હતી. માહિતી મળતાં જ લક્ષ્મણભાઈએ રોજગાર કચેરીના માર્ગદર્શન હેઠળ અરજી કરી અને જરૂરી પ્રક્રિયા તથા ઇન્ટરવ્યુ પૂર્ણ કરી સફળતાપૂર્વક કાઉન્સેલર તરીકે પસંદગી મેળવી હતી.
રોજગારી મળ્યા બાદ પોતાના અનુભવો વર્ણવતા લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું કે, “આ નોકરી મળવાથી મારો લાંબા સમયનો આર્થિક તણાવ દૂર થયો છે. મને મારી શૈક્ષણિક લાયકાત મુજબ કામ મળતાં ઘણો સંતોષ છે અને હવે હું પરિવારને પણ આર્થિક રીતે ટેકો આપી શકું છું.” મુશ્કેલ પરિસ્થિતિમાં યોગ્ય દિશા બતાવવા બદલ તેમણે જિલ્લા રોજગાર કચેરીનો આભાર માન્યો હતો.














