વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
“સંસ્કાર એ જ સાચા શિક્ષણની ઓળખ” : રાજ્યમંત્રી છાંગા.
મધ્યાહન ભોજન રસોડું, શેડ અને કમ્પાઉન્ડ વૉલ સહિતના વિકાસકામોનું લોકાર્પ
ભુજ ,તા-૨૫ સપ્ટેમ્બર : લોડાઇ ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળાની નવનિર્મિત ઇમારત, મધ્યાહન ભોજન રસોડું, શેડ અને કમ્પાઉન્ડ વૉલ સહિત રૂ.૧૭૫ લાખના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.લોડાઈ ખાતે યોજાયેલા શાળાના નવા મકાનના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉપસ્થિત રહી ગ્રામજનો તથા વાલીઓને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ શાળા એક એવું સરસ્વતીધામ છે જ્યાં ધર્મ, જ્ઞાતિ કે સંપ્રદાયના ભેદભાવ વગર તમામ વર્ગના બાળકો ઉત્તમ શિક્ષણ મેળવી શકશે. રાજ્યમંત્રીએ બાળકો દ્વારા પોતાના વાલીઓને નિમંત્રણ પાઠવવાની ભાવનાને બિરદાવતા કહ્યું હતું કે, દુનિયામાં માતા-પિતાનું સ્થાન સૌથી મહાન છે અને આ પ્રકારના સંસ્કાર જ સાચા શિક્ષણની ઓળખ છે.આ વિસ્તારના સર્વાંગી વિકાસ વિશે વાત કરતા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઉમેર્યું હતું કે, ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્ર સાથે પ્રદેશમાં આરોગ્ય સુવિધાઓ, કૉલેજનું એક્સટેન્શન સેન્ટર, સબસ્ટેશન, રોડ-રસ્તા, કેનાલ અને પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિંચાઇ માટે ટૂંક સમયમાં કેનાલ મારફતે પાણીની સુવિધા પ્રાપ્ત થશે. તમામ માળખાગત સુવિધાઓના કારણે આવનારા ૧૦ વર્ષમાં લોડાઈ ક્ષેત્ર તાલુકા મથક સમકક્ષ સુવિધાઓ ધરાવતું સમૃદ્ધ ક્ષેત્ર બનશે. અંતમાં, તેમણે ખેતીને ઉત્તમ વ્યવસાય ગણાવી ગ્રામજનોને ભવિષ્યની રોજગારી અને સમૃદ્ધિ અર્થે પોતાની જમીન ન વેચવા પણ અપીલ કરી હતી.આ પ્રસંગે કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશભાઇ રૂડાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાધાબેન વરચંદ, તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વાલુબેન બડગા, જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઇ ચાડ, શાસક પક્ષના નેતા ધનજીભાઇ ચાવડા, સરપંચ ધુલીબેન બતા, મામલતદાર તેજશભાઇ ઠક્કર અને તાલુકા વિકાસ અધિકારી દિક્ષિત ઠક્કર સહિત વિવિધ ગામના સરપંચઓ, આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.












